મોરબીમાં મુખ્યમંત્રી-વડાપ્રધાન આવાસ યોજનામાં કવાર્ટર અપાવવાનું કહીને દસેક લોકો સાથે કરી છે 3.15 લાખની છેતરપીંડી : આરોપી વિશાલ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોરબી : મોરબીમાં મુખ્યમંત્રી આવાસ અને વડાપ્રધાન આવાસ યોજનાના કવાર્ટરમાં મકાન અપાવવાની લાલચ આપીને દસેક ગરીબ લોકો સાથે ૩.૧૫ લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર શખ્સની રિમાન્ડ મંગાતા કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે આરોપી વિશાલની ઓફિસમાંથી પાલિકાના બોગસ સિક્કા સહિતના આધાર પુરાવાઓ કબજે કર્યા છે. વિશાલે ૧૦થી વધુ લોકો પાસેથી ક્વાર્ટર અપાવી દેવાની લાલચ આપીને રૂપિયા પડાવાયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મોરબી શહેરમાં બનાવવામાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના અને વડાપ્રધાન આવાસ યોજનામાં ક્વાર્ટર આપવાની લાલચ આપીને દસેક લોકોને ભોળવ્યા હતા. જે પૈકી મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા જયશ્રીબેન સંજયભાઈ ઉપાધ્યાયએ, મોરબીના વિશાલ ભરતભાઇ પંચોલી નામના શખ્સની સામે મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટરમાં મકાન આપવાની લાલચ આપીને જરૂરિયાતમંદ લોકો પાસેથી ૩.૧૫ લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ રકમ ફરિયાદી જયશ્રીબેન સહીત ચાર વ્યક્તિઓ પાસેથી લીધી હતી. આ પૈકી ભોગ બનેલા મહેતા અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, આ શખ્સે કુલ મળીને દસેક વ્યક્તિઓ પાસેથી ક્વાર્ટર અપાવી દેવાની લાલચ આપી 60થી 85 હજાર સુધીની રકમ પડાવી લીધી છે. ભેજાબાજ વિશાલે લોકોને વિશ્વાસમાં લેવા માટે તમામ લોકોને મોરબી પાલિકાના ખોટા સહી સિકક્કા કરીને અસલી દસ્તાવેજની જેમ ખોટા દસ્તાવેજ કરી આપ્યા હતા. પોલીસે વિશાલની ઓફિસની તલાસી લેતા ત્યાંથી પાલિકાના સિક્કા તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના અને વડાપ્રધાન આવાસ યોજના સિક્કા અને સરકારી કચેરીમાં ઉપયોગમાં લેવામાં આવતા સિક્કા મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કર્યા છે. મોરબીમાં કેટલા લોકોને આ ભેજાબાજે છેતર્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. મોરબીના એસપી ડો.કરનરાજ વાઘેલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લોકો પાસેથી રૂપિયા લેવામાં આવે છે તેવી અરજી મળી હતી જેના આધારે તપાસ કરીને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં ચાર વ્યક્તિ પાસેથી છેતરપીંડી કરીને ભેજાબાજ વિશાલ ભરતભાઇ પંચોલીએ રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે જો કે, ભોગ બનેલા લોકોની સંખ્યામાં વધારો થાય એવી શક્યતાઓ જોવાઇ રહી છે. આરોપીએ આગાઉ માળિયા તાલુકામાં નકલી પોલીસ બનીને જુગારની રેડ કરી હતી અને પોલીસના નામે 24300 રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યારે તેની સામે ગુન્હો નોંધાયો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઊપરાંત મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમા તેની સામે પત્નીને ત્રાસ દેવાનો ગુન્હો પણ અગાઉ નોંધાયેલ છે. મોરબી એસ.પી. ડૉ. કરનરાજ વાઘેલાએ અન્ય કોઈ વ્યક્તિ આરોપીની છેતરપિંડીનો ભોગ બની હોય તો તેઓએ આગળ આવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો અનુરોધ કર્યો છે.