મશીનરીને ભારે નુકશાન : જાનહાની ટળી મોરબી : બિલિયા-બગથળા રોડ પર આવેલી એક પોલીમર ફેકટરીમાં આગ લાગતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. જો કે ફાયરબ્રિગેડ પહોંચે એ પહેલાં જ ફેકટરીના કામદારો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આથી આગ પ્રસરતા અટકી હતી. આજે સવારે 7:45ના અરસામાં બગથળા-બિલિયા રોડ પર આવેલી શિવાના પોલિમર નામની પોલીમરની ફેકટરીના એક મશીનમાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી હતી. આગ લાગતા જ થોડીવાર માટે અફરતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ફેકટરીના મજૂરો અને અન્ય કર્મચારીઓએ ફેકટરીમાં રહેલા ફાયર સેફટીના સાધનો દ્વારા તેમજ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી નાંખતા આગ ફેલાતા અટકી ગઈ હતી. આગને કારણે મશીનમાં નુકશાની થઈ હતી જો કે કુલ કેટલું નુકશાન થયું છે એ વિગતો હજુ બહાર આવી નથી. સદનસીબે આગથી કોઈ જાનહાની ન થતા ફેકટરી કામદારો અને સંચાલકોએ રાહત અનુભવી હતી.