આધારકાર્ડ માટે ઓનલાઈન ટોકન સિસ્ટમ શરૂ થતાં લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવાની યાતનામાંથી મુક્તિ મળતા લોકોને રાહત મોરબી : મોરબીમાં આધારકાર્ડ કઢાવવા માટે ઓનલાઈન ટોકન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. જો કે પહેલા લોકોને આધારકાર્ડ કઢાવવા માટે ટોકન લેવા કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે હવે ઓનલાઈન ટોકન સિસ્ટમ શરૂ થતાં લોકોને લાઈનમાં ઉભા રહેવાની પીડામાંથી કાયમી મુક્તિ મળશે અને લોકોનો કિંમતી સમય પણ બચશે. મોરબીમાં જ્યારથી આધારકાર્ડ કઢાવવાની કામગીરી શરૂ થઈ છે.ત્યારથી માંડીને અત્યા સુધી લોકોને આ કામગીરી માટે કોઈને કોઈ કારણોસર ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને અગાઉ આધારકાર્ડ કઢાવવા માટે ટોકન સિસ્ટમ અમલી બની હતી. આ ટોકન લેવા માટે લોકોને લાંબી-લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડતું હતું. ત્યારે હવે મોરબીમાં આધારકાર્ડ કઢાવવા માટે ઓનલાઈન ટોકન વ્યવસ્થા અમલી બનાવમાં આવી છે. જેથી, લોકોને લાઈનમાં ઉભા રહેવાની પીડામાંથી કાયમી મુક્તિ મળશે અને લોકોના કિંમતી સમયનો પણ બચાવ થશે. આધારકાર્ડ કઢાવવાના સેન્ટરોમાં હવે લોકોની ભીડ નહિ થાય. મોરબીમાં આઠ જેટલા આધારકાર્ડ કઢાવવા માટેના સેન્ટરો છે. અગાઉ રૂબરૂ સ્થળ ઉપર ટોકન લેવા માટે ભારે ભીડ થતી હતી અને આશરે 200 જેટલાજ ટોકન આપતા હતા.તેથી વારો ન આવે તો બીજી વખત ધક્કો થતો અને બીજા દિવસે પણ આવી કડાકુટ થાય તો બે ત્રણ મહિને માંડ વારો આવતો ત્યારે હવે ઓનલાઈન સિસ્ટમ શરૂ થતાં આવી હાલાકી દૂર થશે અને લોકો ઓનલાઈન સિસ્ટમમાં જે તે સ્થળ નક્કી કરે તો તાત્કાલિક આધારકાર્ડ કઢાવવા માટેનું ટોકન નીકળી શકશે. મોરબી તાલુકા સેવાસદનમાં આવેલ મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી કરતા રિદ્ધિબેને જણાવ્યું હતું કે હવે લોકોને ટોકન મેળવવા અહીં આવવાની જરૂર નથી. ઓનલાઈન સિસ્ટમથી આ કામગીરી સરળતાથી થઈ શકશે.