યુવક મહોત્સવમાં બે છાત્રો તૃતીય ક્રમે આવ્યા પણ સન્માન પત્ર મળ્યું પ્રથમ ક્રમનું!! ટંકારા : ટંકારામાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો હતો. જેમાં તંત્ર દ્વારા છબરડો થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાને આવેલા બે છાત્રોને પ્રથમ આવ્યાનું જાહેર કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં યુવક મહોત્સવ 2019 યોજાયો હતો. જેમાં રાજ્યકક્ષાએ ભજન સ્પર્ધામાં મંથન ધાનજાએ તૃતીય સ્થાન તેમજ લોકવાર્તામાં રાજુ કાકરીયાએ પણ તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું. આ બન્ને છાત્રોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોવાથી તેમનું ટંકારા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન વેળાએ તંત્ર દ્વારા ઉતાવળમાં છબરડો થઈ ગયો હતો. બન્ને છાત્રો તૃતીય આવ્યા હતા. પરંતુ કાર્યક્રમમાં બન્નેને પ્રથમ આવ્યાનું જાહેર કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બન્નેના સન્માન પત્રમાં પણ પ્રથમ ક્રમ દર્શાવાયો હતો.