મોરબી : મોરબી નજીક ગઈકાલે ટ્રેઇલરને ઓવરટેક કરતા સામેથી આવતા વાહન સાથે આઇસર જોરદાર અથડાયું હતું. આ અકસ્માતની ઘટનામાં આઇસર ચાલકને ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ટ્રેઇલરને ઓવરટેક કરવાની કોશિશમાં આઇસર ચાલકે જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતની ઘટનાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઢસા ભાવનગર રોડ કડીયા શેરી ભાવનગર ખાતે રહેતા હર્ષદભાઇ દેવચંદભાઇ સરવૈયા (ઉવ-૩પ) નામનો આઇસર વાહનનો ચાલક ગઈકાલે તા.26 ના રોજ પોતાના જી.જે.૧૩-એ.ટી.-૮૧૭૮ નંબરના આઇસરને લઈને મોરબી બાયપાસ રોડ યોગેશ્ર્વર સ્ટીલની સામે ધરમપુર ગામની સીમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે પોતાની આગળ જતા ટ્રેઇલરને ઓવર ટેઇક કરવા જતા ઓવર ટેઇક ન થતા સામેથી આવતા અશોક લેયલન્ડ ડમ્પર ટ્રક નંબર-જી.જે.-૦૯-એ.વી.-૯૯૯૩ સાથે આઇસર ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી આઇસરચાલકનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.