જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ નવા આધારકાર્ડ ઇસ્યુ થયા અને જૂના આધારકાર્ડમાં રહેલી ક્ષતિઓ સુધારી અપાઈ મોરબી : 24મી અને 25મી જાન્યુઆરીના રોજ બે દિવસ દરમ્યાન મોરબીમાં 'વિચરતા સમુદાય સમર્થન' સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની સૂચનાથી વિચરતી-વિમુક્ત જાતિઓ માટે આધારકાર્ડ માટે સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા આધારકાર્ડ કઢાવવા અને ક્ષતિયુક્ત આધારકાર્ડમાં સુધારા વધારાની તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં નવા બેંક ખાતાં ખોલાવવા તથા બારકોડેડ રેશનકાર્ડ કઢાવવા માટે આધારકાર્ડ લિંક કરવાનું ફરજિયાત થયુ છે. આ સંજોગોમાં વિચરતી-વિમુક્ત જાતિમાં અભણ ગરીબ વર્ગના લોકો આધારકાર્ડની કામગીરી બાબતે ખૂબ મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. ત્યારે આવા સંજોગોમાં જેતે વિસ્તારની ગ્રામ પંચાયત પૂરતી મદદ પુરી પાડી શકતી નથી. જો ગ્રામ પંચાયત થોડી ઘણી મદદરૂપ થાય તો આ લોકોની તકલીફો દૂર થઈ શકે, પણ એ શક્ય ન બનતા ત્રીજી જાન્યુઆરીએ કલેક્ટરની અધ્યક્ષતામાં સરકારી વહીવટી તંત્ર અને vssm સંસ્થા સાથેની બેઠકમાં આધારકાર્ડના મુદ્દે કલેક્ટરને રજુઆત કરવામાં હતી. આધારકાર્ડ કઢાવવાને લઈને પડતી મુશ્કેલીઓની રજુઆતને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અન્વયે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોરબી તાલુકા આધારકાર્ડ વિભાગના કર્મચારીઓએ પૂરો સહયોગ આપ્યો હતો. વિચરતી-વિમુક્ત જાતિઓના લોકો વધુમાં વધુ આ કેમ્પમાં લાભ લઈ શકે તેના માટે vssm સંસ્થાના કાર્યકર કનુભાઈ બજાણીયા અને છાયાબેન પટેલે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. પૂરતા માર્ગદર્શનને અભાવે આ જાતિના 70% આધાર કાર્ડ રીજેક્ટ થવાની આશંકા રહેતી હોય છે. જ્યારે uidai દ્વારા નકી કરાયેલ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં ન આવે એવા સંજોગોમાં આવી જાતિ માટે uidai દ્વારા એક સર્ટી બહાર પાડવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરવામાં આવે તો મોટા ભાગના આધાર કાર્ડ બનાવવા સરળ થઈ જાય એમ છે.