વડીલોની સમજાવટ બાદ બન્ને પક્ષની સહમતીથી એકદમ સદાય પૂર્વક યુગલના લગ્ન યોજાયા મોરબી : મોરબીમાં લગ્નના ખોટા ખર્ચ ટાળવા માટે આવકારદાયી પગલું ભરાયું હતું.જેમાં એક યુગલની અગાઉ સગાઈ થઈ ગઈ હોય એના લગ્ન કરવા માટે તારીખો લેવા બન્ને પક્ષના લોકો ભેગા થયા હતા.તે સમયે વડીલોએ લગ્નના ખોટા ખર્ચા ટાળવા માટે અત્યારે જ સદાય પૂર્વક લગ્ન કરવાની સલાહ આપી હતી.જેને બન્ને પક્ષે સહમતીથી વધાવી લેતા આજે તાત્કાલિક આ યુગલના સાદાઈ પૂર્વક લગ્ન લેવાઈ ગયા હતા. મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધનગરમાં રહેતા સામાજિક અગ્રણી ગોપાલભાઈ સોલંકીના ભત્રીજા અને સોલંકી નવનીતભાઈ કેશુભાઈના પુત્ર મયુરની થોડા સમય અગાઉ અમદાવાદ ખાતે રહેતા કાનાભાઈ મકવાણાની પુત્રી પારુલ સાથે સામાજિક રીત રિવાજ મુજબ સગાઈ કરવામાં આવી હતી.દરમિયાન આ યુગલના કયારે લગ્ન ગોઠવવા તેની તારીખ લેવા માટે બન્ને પક્ષના લોકો બૌદ્ધનગર વિસ્તારમાં યુવાનના નિવાસસ્થાને ભેગા થયા હતા.તે દરમિયાન યુવાન પક્ષના વડીલ જેસિંગભાઈ પરમાર , ડો.એમ.બી.પરમાર,કે.કે.ભાંખોડિયાએ આજે આ યુગલના લગ્ન થઈ જાય તેવા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા અને બન્ને પક્ષની આર્થિક સ્થિતિ સામાન્ય હોય અને આજના સમયમાં લગ્નમાં ભારે ખર્ચ થતો હોવાથી લગ્નના ખોટા ખર્ચાઓ બચાવવા માટે સદાયથી લગ્ન કરવા બન્ને પક્ષના લોકોને રાજી કર્યા હતા.બન્ને પક્ષના લોકોએ તાત્કાલિક લગ્ન કરવાની સહમતી આપતા અંતે લગ્નના કોઈપણ જાતના આયોજન વગર સામાકાંઠે ભડિયાદ કાંટે આવેલ વણકર સમાજની વાળી ખાતે મયુર અને પારુલના તાત્કાલિક લગ્ન લેવાય હતા.આ રીતે આ યુગલે એકદમ સાદાય પૂવર્ક લગ્ન કરીને પ્રભુતામાં પગલાં મંડ્યા હતા.જોકે આ યુગલના લગ્ન કરવાનું નક્કી જ ન હતું માત્ર લગ્ન હવે પછી ક્યારે કરવા એની તારીખ લેવા માટે બન્ને પક્ષના લોકો ભેગા થયાને એમાજ લગ્ન લેવાય ગયા તે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે.