ટંકારા : ટંકારાનો સુવિધા પથ બીનજરૂરી સ્પીડ બ્રેકરોના કારણે દુવિધાગ્રસ્ત બની ગયો છે. આ રોડ ઉપરથી જો ત્રણ દિવસમાં સ્પીડ બ્રેકરો હટાવી લેવામાં નહિ આવે તો આંદોલન કરવાની ગાયત્રીનગરના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. એક તરફ 26મી જાન્યુઆરીની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ સ્થાનિકોની આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. ટંકારામાં ખીજડીયા ચોકડીથી ગાયત્રીનગરના ખુણા સુધી ગત વર્ષે જીલ્લા પંચાયતની બાંધકામ શાખા હેઠળ સુવિધાપથના નામે સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો. તેના પર કોઈપણ જાતની મંજૂરી કે પરવાનગી વગર ગેરકાયદે સ્પીડબ્રેકરો આડેધડ ખડકી દેવામાં આવ્યા હતા. જેના લીધે રાહદારીઓ અને રહીશો રીતસરના ઉકળી ઉઠ્યા છે અને કલેકટર, ડિડિઓ અને જિલ્લા પંચાયતની બાંધકામ શાખાને લેખિતમાં આ બાબતની લેખિત રાવ કરી છે. ગાયત્રીનગરના સ્થાનિકોએ તંત્રને કરેલી રજૂઆતમા જણાવ્યું છે કે આ રોડ પરની દુવિધા દૂર કરવામાં નહીં આવે તો નાછુટકે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વના રોજ વીર સાવરકરને માર્ગે આંદોલન કરી વિરોધ કરવાની ફરજ પડશે જેમાં વર્તમાન સરકારની કે તંત્રની શાખ ખરડાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. રસ્તા પર ખડકાયેલા બિનજરૂરી સ્પીડબ્રેકરો દુર કરવા વીર સાવરકરના માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી હોય સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે સાથે આગામી દિવસોમાં આ મુદ્દો મોટું સ્વરૂપ ધારણ કરે તો પણ નવાઈ નહીં. જયારે આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોન કરવા છતાં એક પણ ફોન ઉપાડ્યો ન હોય સંપર્ક થઈ શક્યો ન હતો.