વાંકાનેર : શહેરના નવાપરા વિસ્તારમાં રહેતો યુવક વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીકથી પોતાની છકડો રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ પરની ગોળાઈમાં છકડો રીક્ષા અચાનક પલ્ટી ખાઈ જતાં ગંભીર ઇજાઓ થવાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પોલીસમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના નવાપરા મચ્છુ નદીના કાંઠે વિસ્તારના દેવીપૂજક વાસમાં રહેતા અર્જુનભાઈ નાનજીભાઈ ચારોલીયા ઉંમર 49નો પુત્ર કરણભાઈ ઉંમર વર્ષ 20 ગઈકાલે વાંકાનેર તાલુકાના દલડી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની છકડો રીક્ષા નંબર GJ O3 AX 9724 રોડની ગોળાઈમાં પલ્ટી મારી જતા તેને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ યુવક કરણ અર્જુનભાઇનું મોત નીપજયું હતું. મૃતકના પિતા અર્જુનભાઈએ ફરિયાદી બની આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. વાંકાનેર તાલુકા પોલીસના એ.એસ.આઈ. કિશોરભાઈ વિષ્ણુભાઈએ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે