ડેમી-1 ડિપ ઇરીગેશનનું અધૂરું કામ, રોડ પર ડાયવર્ઝન, આધારકાર્ડની નબળી કામગીરી અંગે કોઈ કાર્યવાહી ન થતા પદાધિકારીઓ લાલઘૂમ ટંકારા : ટંકારા મામલતદાર તંત્રને સંકલન સમિતિમાં રહેલા માત્ર ત્રણ પ્રશ્નોને આગળ ધપાવવાનો પણ સમય ન હોવાની ફરિયાદો ઉઠી છે.સંકલન સમિતીમાં રહેલા પ્રશ્નો ડેમી-1 ડિપ ઇરીગેશનનું અધૂરું કામ, રોડ પર ડાયવર્ઝન, આધારકાર્ડની નબળી કામગીરી અંગે કોઈ કાર્યવાહી ન થતા પદાધિકારીઓ લાલઘૂમ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રજાસત્તાક પર્વને ગણતરીના દિવસો બાકી છે. જીલ્લા કક્ષાની ઉજવણી ટંકારા થવાની છે ત્યારે સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિ પ્રજાના પ્રશ્નને લઈને જરા પણ ગંભીર ન હોવાની રાવ ઉઠી છે. ગત મિટીંગમા ન્યાય સમિતિના અધ્યક્ષ મહેશ લાધવાએ બળાપા સાથે અધિકારી પ્રજાની સમસ્યા માટે નિષ્ક્રીય હોવાનું જણાવ્યું હતું. છેલ્લા બે દશકાથી ટંકારાની પ્રજા બસ સ્ટેન્ડ માટે વલખાં મારી રહી હતી. જેની જગ્યા તો ફાળવવામાં આવી પણ હજી સુધી કોઈ કામ કે પિકઅપ પોઇન્ટ પણ બન્યો નથી. છતા એસ.ટી.ના અધિકારી મિટીંગમા ડોકાતા નથી. ડેમી- 1માથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જે કેનાલ પર કામ બાકી છે તેના રાગડા તાણી પદાધિકારી થાક્યા છતા કોઈ કાર્યવાહી થઈ નથી. આવડા મોટા તાલુકામા એકજ આધારકાર્ડની કિટ અને એ પણ 15 દિવસ બંધ છતા કોઈ નિકાલ થયો નથી. દોઢ વર્ષથી લતીપર ચોકડીની હાલત ભંગાર હાલત છે. છતાં રોડ પર રીપેરીંગ કામ કરવામા કોઈ જવાબ મળતા નથી. દબાણ ,હોર્ડિંગ્સ સહિતના અનેક પ્રજાલક્ષી પ્રશ્નો સંકલનમા રજુ કરવા છતા અધિકારીઓ કાર્યવાહીના નામે નર્યું નાટક જ કરતા હોવાનો આક્ષેપ મહેશ લાધવાએ કર્યો છે.