મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવાએ ઉનાળુ સિઝનમાં સિંચાઇ માટેનું આગોતરું આયોજન કરવા અંગે સિચાઈ મંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆત અનુસાર ગત ચોમાસાની સિઝનમાં ખુબ જ ભારે વરસાદને કારણે ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ પાકો બે વખત નાશ પામેલ હતા. છેલ્લે ખેડૂત દ્વારા કપાસ તેમજ એરેંડાનું વાવેતર કરેલ, જે પાકો આગળના વાવેતરો નિષ્ફળ જવાના કારણે સમય કરતાં મોડુ વાવેતર કરવું પડેલ માટે પાકવાની સમય મર્યાદા લંબાઈ જવા પામેલ છે. જેના કારણે રવીપાકનું ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરી શકેલ નથી. એક બાજુ ચોમાસુ વાવેતર બે વાર વાવવા છતા નિષ્ફળ ગયેલ છે. પાક ધોવાયેલ છે. જમીનોનું પણ ઘણી જગ્યાઓએ ઘોવાણ થયેલ છે. આવી સ્થિતિમાં ખેડૂતો રાહ જોઈ શકે નહીં. માટે તેઓએ પોતાના ખેતર માં ચોમાસુ પાકમાં મોડા વાવેતર કરી શકાય તેવા પાકો, જેમ કે કપાસ, એરેંડા વગેરેનું વાવેતર મોડેથી કરેલ છે. જેના કારણે રવિ સિઝન માટે ખેતર ખાલી ન હોવાથી સમગ્ર ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને મોરબી જિલ્લામાં રવી પાકનું વાવેતર જેટલા પ્રમાણમાં થવું જોઈએ એટલું થવા પામેલ નથી. વધુમાં, રજુઆતમાં જણાવેલ છે કે ડેમોમાં પાણી છે છતા પણ ખેડૂતો ખેતર ખાલી ન હોવાથી લાચાર બન્યા અને રવિ સિઝનનું વાવેતર કરી શકેલ ન હોવાથી હાલ સિંચાઇ માટે પાણી આપવામાં આવતું નથી. તેવા ડેમના કમાન્ડ વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરવા માટેનું આગોતરું આયોજન સરકારે કરવું જોઇએ. તેમજ અન્ય ડેમો ના કમાન્ડ વિસ્તાર માં પણ અને ખાસ કરીને નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં જો સરકાર અગાઉથી જાહેરાત કરે કે ઉનાળુ પાક માટે પાણી આપવામાં આવશે તો ખેડૂતો પાક વાવવા માટે અત્યારથી આયોજન કરી શકે. જો છેલ્લી ઘડીએ જો જાહેરાત કરવામાં આવે તો ખેડૂતો ખાતર બિયારણ વગેરેની વ્યવસ્થા ના કરી શકે અને વાવેતર ના થાય માટે જો વહેલી જાહેરાત કરવા આવે તો જ વાવેતર કરી શકે. તેથી, આગોતરી જાહેરાત કરવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત, મોરબી જિલ્લાની મચ્છુ-2 સિંચાઇ યોજનાની કેનાલનું કામ ગોકળ ગાયની ગતિથી પણ ધીમું ચાલે છે. સરકારને કદાચ આ કામ પૂરું કરવામાં રસ નથી તેવું લાગી રહ્યું છે. તેથી, આ બાબતે યોગ્ય આદેશો કરવા રજૂઆત કરાઈ છે.