ગમે તેટલા મોંઘા પતંગ કરતા માનવ જીવન વધુ મૂલ્યવાન છે, વીજ લાઈન કે વીજ પોલથી સલામત અંતર રાખો મોરબી : મકરસંક્રાતિના તહેવાર નિમિત્તે PGVCL દ્વારા મોરબી શહેરના નાગરિકોને સંદેશ સાથે એક અપીલ કરાઈ છે. જેમાં પતંગ ચગાવતી વખતે રાખવાની સાવધાની અંગે માહિતી અપાઈ છે. આવનારી મકરસંક્રાંતિ નિમિત્તે PGVCL દ્વારા પતંગ રસિયાઓને સલામત રીતે તહેવાર ઉજવવા માટેની ટિપ્સ આપી છે. જે મુજબ, પતંગ કે દોરી વીજળીના થાંભલામાં કે તારમાં ફસાઈ જાય તો તેને લેવા માટે વીજ પોલ પર ન ચડવું, કે વીજ તારને કોઈ પણ રીતે સ્પર્શ ન કરવો, વીજ તાર પર લંગર ન નાંખવા કેમકે આમ કરવાથી વીજ તાર ભેગા થઈ જવાથી મોટા ભડાકા થાય છે અને આસપાસના વીજ ઉપકરણો બળી જાય છે. વીજ તારમાં અટવાયેલા પતંગ કે દોરીને લેવા માટે લોખંડના સરિયા કે વીજ વાહક સાધનનો ઉપયોગ જીવલેણ સાબિત થઈ શકે છે. PGVCL દ્વારા વધુમાં જણાવાયું છે કે ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ કે અન્ય કોઈ વીજ વાહક વસ્તુ પતંગ સાથે બાંધીને ઉડાડવી નહીં. આવા પતંગો વીજ વાયરને સ્પર્શ થતા જ દોરીમાં વીજ પ્રવાહ આવતા કરંટ લાગી શકે છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો. કેમ કે તેનાથી વીજ વાયર કપાઈ શકે છે. જ્યાંથી વીજ વાયર પસાર થતા હોય ત્યાં નજીકમાં પતંગ ઉડાડવા નહીં. માનવ જિંદગી અમૂલ્ય છે જેને થોડા પૈસાની પતંગ માટે જોખમમાં ન મુકવા માટે પીજીવીસીએલ દ્વારા અપીલ કરીને નાગરિકોને વ્યવસ્થામાં સહકાર આપી મકરસંક્રાતિની શુભેચ્છાઓ પાઠવી છે.