જ્ઞાનોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાના નામી તજજ્ઞો- વક્તાઓ અદભુત જ્ઞાનવાણી વહાવશે : 30 ટકા ડિસ્કાઉન્ટ સાથે ભવ્ય પુસ્તક મેળો યોજાશે : વાનગી સ્પર્ધા, વિવિધ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિસરાતી જતી શેરી રમતોને જીવંત કરવા ફન સ્ટ્રીટ જેવા કાર્યક્રમો યોજાશે : ઠંડીના વાતાવરણને ધ્યાને લઇ આ વર્ષે 5 હજાર લોકો બેસી શકે તેવા વિશાળકાય ડોમની વ્યવસ્થા કરાઈ મોરબી : ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદિઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચિત આ કાવ્ય પંકિત યુવાનોમાં રહેલી અદભુત શક્તિઓનો પરિચય કરાવે છે. યુવાનો જ દેશ અને સમાજની સૌથી મોટી ધરોહર હોય છે અને યુવાનોમાં એવી શક્તિ પડી હોય છે કે યુવાનોમાં રહેલી શક્તિઓનો દેશ અને સમાજના હિતમાં ઉપયોગ થાય અને વૈચારિક ક્રાંતિ આવે તેમજ યુવાનોમાં જ્ઞાન વધે તેવા આશયથી મોરબીમાં દર વર્ષે યુવા જ્ઞાન ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી તા. 10 જાન્યુઆરીથી ત્રીદિવસીય યુવા જ્ઞાનોત્સવ યોજાવાનો છે. મોરબીના શનાળા ગામ નજીક આવેલ પટેલ સમાજ વાડી ખાતે આગામી તા.10, 11, 12 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી યુવા જ્ઞાનોત્સવ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્ય કાર્યક્રમનું ઉદ્દઘાટન પોતાના જીવને જોખમમાં મૂકીને આગ બુઝાવાનું કામ કરતા ફાયરબ્રિગેડના જવાનોના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ સેશનનું ઉદ્દઘાટન 108ની ટિમ સહિતના વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપનારા લોકો દ્વારા કરવામાં આવશે. જો કે નોંધનીય બાબત એ છે કે મોરબી યુવા જ્ઞાનોત્સવના દરેક સેશન તમામ લોકો માટે ઓપન અને તદ્દન વિનામૂલ્યે છે. તેથી, રજિસ્ટ્રેશન કરાવવાની કે કોઈ પાસની જરૂરિયાત નથી. તેમજ આ વર્ષે ઠંડીના માહોલને ધ્યાને લઇ યુવા જ્ઞાનોત્સવના તમામ સેશન 5 હજાર માણસો એકસાથે બેસી શકે તેવા વિશાળકાય ડોમ અંદર કરવામાં આવશે. જેથી પરિવાર સાથે આવતા લોકોને ઠંડીની અસર ન થાય. જ્યારે મોરબી સિરામિક એસો., ક્લોક એન્ડ પાર્ટ્સ મેન્યુફેકર્સ એસો., સહિતની અગ્રણી સંસ્થા અને કંપનીઓ તેમજ ઉદ્યોગકારો, આગેવાનો અને મોરબીની અગ્રણી શાળા અને કોલેજ સંસ્થાઓનો જ્ઞાનોત્સવના આયોજનમાં સહયોગ પ્રાપ્ત થયો છે. સ્થળના દાતા પટેલ સેવા ટ્રસ્ટ - શકત શનાળા છે. જ્યારે આ સમગ્ર કાર્યક્રમના મીડિયા પાર્ટનર ચિત્રલેખા છે. ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પૂ.જ્ઞાનવત્સલ સ્વામી, જે.ડી. મજેઠીયા, સવજીભાઈ ધોળકીયા, ઉત્સવ પરમાર, જય વસાવડા, જયસુખભાઈ પટેલ, સંજય રાવલ, કાજલ ઓઝા વૈદ્ય અને રિઝવાન આડતીયાનુ વક્તવ્ય યોજાશે. જ્ઞાનોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાના નામી તજજ્ઞો-વક્તાઓ અદભુત જ્ઞાનવાણીની સાથે 30 ટકા ડિસ્કાઉન્ટ સાથે ભવ્ય પુસ્તક મેળો યોજાશે. વાનગી સ્પર્ધા, વિવિધ પ્રદર્શન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિસરાતી જતી શેરી રમતોને જીવંત કરવા ફન સ્ટ્રીટ જેવા કાર્યક્રમો પણ યોજાશે. જ્યારે 30 ટકા ડિસ્કાઉન્ટ સાથેનો ભવ્ય પુસ્તક મેળાનો સમય દરરોજ સવારે 9.00 થી રાત્રીના 9.30 કલાક સુધી રાખ્યો છે. વધુમાં અગાઉ જે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 1 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેના ત્રણ કેટેગરીમાં ઇનામ વિતરણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે. મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક લોકોને મિત્રો, પરિવાર સાથે મોરબી યુવા જ્ઞાનોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. આ યુવા જ્ઞાનોત્સવને સફળ બનાવવા માટે યુવા જ્ઞાનોત્સવ સમિતિ અને યંગ ઇન્ડિયા ગ્રુપના 150થી વધુ સ્વયંસેવકો છેલ્લા 4 મહિનાથી જહેમત ઉઠાવી રહ્યા છે વધુ વિગત માટે મો.નં. 9537676276 ઉપર વોટ્સએપ કરવાથી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મેળવી શકાશે. મોરબી યુવા જ્ઞાનોત્સવ - 2020 અંતર્ગતધ ગ્રાન્ડ મોમ્સ હોટલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં યુવા જ્ઞાનોત્સવ સમિતિ વતી દિનેશભાઇ વડસોલા, ક્લોક એસોસિયેશન પ્રમુખ શશાંકભાઈ દંગી, સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નિલેશભાઈ જેતપરીયા તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા વિંગના કાજલબેન ચંડીભમ્મર, ધરતીબેન બરાસરા આ ઉપરાંત જ્ઞાનોત્સવના સ્થળના દાતા પટેલ સમાજ વાડીના પ્રમુખ નરભેરામભાઈ શિરવી તથા પુસ્તક પરબ ટીમના ઘનશ્યામભાઈ ડાંગરએ ઉપસ્થિત રહી મોરબી યુવા જ્ઞાનોત્સવ 2020ની સવિસ્તાર માહિતી આપી હતી. અને આ જ્ઞાનોત્સવનો સહપરિવાર લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ત્રિ દિવસિય કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા પ્રથમ સેશન તા. 10 જાન્યુઆરીને શુક્રવાર (સાંજે) 6.00 થી 6.30 વાગ્યા દરમિયાન ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ ગરીમાંસભર ઉદ્ઘાટન સમારોહ યોજાશે બાદમાં સાંજે 6.30 થી 7.30 દરમિયાન જાણીતા વક્તા અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલનું ડર કે આગે જીત હૈ એ વિષય પર વક્તવ્ય યોજાશે.આ સેશનમાં સાંજે 7.30 થી 7.45 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે 7.45 થી 9.00 વાગ્યા દરમિયાન જાણીતા વક્તા અને લેખક કાજલ ઓઝા વૈદ્ય 'સામાજિક સુરક્ષા : જવાબદાર કોણ?'એ વિષય પર ચોટદાર વક્તવ્ય આપશે. બીજા સેશનમાં તા. 11 જાન્યુઆરીને શનિવારે સવારે 08.45 થી 09.00 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ અને સવારે 09.00 થી 09.45 વાગ્યા દરમિયાન દૂરદર્શનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉત્સવ પરમારનું આજના સમયમાં બંધારણનું મહત્તવ એ વિષય પર વક્તવ્ય તેમજ સવારે 09.45 થી 10.00 દરમિયાન વક્તૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સવારે 10.00 થી 11.00 દરમિયાન મોટિવેશનલ સ્પીકર રિઝવાન આડતીયાનું જીવનમાં સફળ કેમ થવું?' એ વિષય પર વક્તવ્ય યોજાશે. ત્રીજા સેશનમાં તા. 11 જાન્યુઆરીના સાંજેના ત્રીજા સેશનમાં 6.15 થી 6.30 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે 6.30 થી 7.15 વાગ્યા દરમિયાન ખીચડી ફેઈમ, જાણીતા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર જે. ડી. મજેઠીયાનું 'રુક જાના નહિ, તુમ કહીં હાર કે...' એ વિષય પર વક્તવ્ય તથા સાંજે 7.15 થી 7.30 વાગ્યા દરમિયાન એમ. ડી., ઓરેવા ગ્રુપ અને જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલનું રણ સરોવર પ્રોજેકટનું મહત્વ' વિશે વક્તવ્ય અને સાંજે 7.30 થી 7.45 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માન...