મોરબી : આ વર્ષે પડી રહેલી કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને જાહેર સ્થળો ઉપર ખુલ્લામાં સૂઈ રહેતા લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે મોરબી આરડીસી બેંકના ગુજરાતના વડા તેમજ મોરબી કલેકટર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર અને નાયબ મામલતદારે ગરીબ અને પછાત વિસ્તારોમાં ધાબળા વિતરણ કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વર્ષે પડી રહેલી કડકડતી ઠંડીમાં જાહેર માર્ગો પર તેમજ ફૂટપાથ અને ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને હાડ થીજાવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે મોરબી સ્થિત આરડીસી બેંકના ગુજરાતના વડા વી.એમ. સખીયા તથા મોરબી કલેકટર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર બી.બી કાસુન્દ્રા અને નાયબ મામલતદાર સાગર ત્રામ્બડિયાએ ટંકારાના સામાજિક કાર્યકર બીપીનભાઈ પ્રજાપતિના સહયોગથી ગરીબ તેમજ શ્રમજીવી લોકોના ઝૂંપડે જઈને ૧૨૫ જેટલા ગરમ ધાબળાઓનું વિતરણ કર્યું હતું. સામાન્ય રીતે સરકારી અધિકારીઓ ફિલ્ડમાં પોતાની ફરજના ભાગરૂપે જ જતાં હોય છે, ત્યારે મામલતદાર તેમજ નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ, બેંકના મેનેજરે એક સામાજિક કાર્યકરના સહયોગથી કરેલું આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુર, હોનારત કે વાવાઝોડાં જેવી કુદરતી વિપદાઓમાં આરડીસી બેંકના જનરલ મેનેજર તેમજ સમગ્ર આરડીસી બેંકનો કાયમી અભિગમ રહ્યો છે કે જરૂરિયાતમંદોને મદદ પુરી પાડવી. સામાજિક કાર્યકર બીપીનભાઈ પ્રજાપતિ તથા રીતેશભાઈ કક્કડ દ્વારા ટંકારા ખાતે રખડતા ભટકતા અને માનસિક અસ્થિર લોકોને ટિફિન, કપડા, અને દવાની સેવા પણ અવિરત પણે પૂરી પાડવામાં આવે છે.