વહીવટી તંત્રને સ્પશર્તા પ્રશ્નો અંગે અરજદારને શાંતિથી સાંભળીને યોગ્ય નિવેડો લાવવો જોઈએ. : કલેકટર જે. બી. પટેલ મોરબી : મોરબી જિલ્લા મહેસુલી તંત્ર દ્રારા મોરબીના ટાઉનહોલ ખાતે ચિંતન શિબિર યોજાઇ હતી. આ ચિંતન શિબિરને મોટી સંખ્યામાં મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓએ માણી હતી. આ ચિંતન શિબિરમાં જાણીતા વક્તાઓ અને અધિકારીઓએ ઉદબોધન કરીને ઉપસ્થિત સૌમા એક નવી ઉર્જાનું સિંચન કર્યું હતું. ચિંતન શિબિરમાં દિપપ્રાગટય કરી જિલ્લા કલેકટર જે.બી.પટેલે જણાવ્યું હતુ કે મહેસુલ વિભાગના કર્મચારીઓ અધિકારીઓમાં લીડરશીપ હોય છે. આ માટે જ સરકાર દ્વારા મહત્તમ વિવિધ યોજનાની અમલવારી આ તંત્ર દ્રારા જ થાય છે. તેમણે કચેરીમાં વહીવટી તંત્રને સ્પર્શ્તા પ્રશ્નો લઈ આવનાર અરજદારને શાંતીથી સાંભળીને યોગ્ય નિવેડો લાવવા જણાવ્યું હતું. પ્રેરણાત્મક ઉદ્દ્બોધનમાં સ્વામી આત્માનંદજીએ જણાવ્યું હતું કે ચિંતન કરવાથી જીવનમાં સરળતા તથા તરલતા આવે છે. લોકોના ભલા માટે નિયત કરાયેલ નિયમોને અનુસરીને વહીવટી જ્ઞાન, અનુભવનો ઉપયોગ કરી લોકોના કામ સરળતાથી થાય તે માટે કામ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, તેઓએ રાષ્ટ્રીય અભિગમ કેળવાય તે બાબત પર પણ ભાર મુક્યો હતો. જયારે પૂર્વ કલેકટર બી.એચ. ધોડાસરાએ શિબિરાર્થીઓને જણાવ્યું હતું કે લોકશાહીમાં પ્રજાને કેન્દ્રમાં રાખી સરકારની યોજનામાં લોકોને જોડી ખુલ્લા મને કામ કરવાથી યોજનાની અસરકારક અમલીકરણ થાય છે. અને માનવીય અભીગમ કેળવીને સમય મર્યાદામાં જ લોકોના પ્રશ્નોનો નિકાલ લાવવો જોઇએ. જયારે વરિષ્ઠ પત્રકાર જવલંત છાયાએ સ્ટ્રેશ મુકત સારી નિયતથી કાર્ય કરવા અને જે જગ્યા પર છો ત્યાં તમે મહત્વપૂર્ણ જગ્યાપર સમજીને લોકોના ભલા માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ચિંતા કરવી એ માનવ સહજ સ્વભાવ છે પરંતુ વધારે ચિંતા કરવી એ નુકસાનકારક સાબિત થાય છે. આ શિબિરમાં મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીએ સીએમ ડેસ્કબોર્ડની અસરકાર કામગીરી લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે શુ કાળજી રાખી શકાય તેની વિગતે જાણકારી આપી હતી. આ શિબિરમાં હળવદના મદદનીશ કલેકટર ગંગાસિંહે ટાઇમ મેનેજમેન્ટ અંગે, મોરબી પ્રાંત અધિકારીશ્રી એસ.જે ખાચરે પ્રીવેનટીવ વીઝીલન્સ અને તેના નિવારાત્મક ઉપાયો અંગે અને વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવાએ રેવન્યુ તુમારોનો અસરકાર નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. જયારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે તંત્રે કઇ રીતે કામ કરવુ જોઇએ તેની ડીપીઓ અમરીનખાને વિડીઓ સ્લાઇડ મારફત સમજણ આપી હતી. મામલતદાર કાસુન્દ્રાએ મહેસુલી તંત્રના સુધારા ઠરાવોની વિગતવાર છણાવટ કરી હતી. આ ઉપરાંત, કાર્યક્રમ અંતર્ગત એક ક્વિઝ રાખવામાં આવી હતી. જે ક્વિઝમાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ મળી જાય તે રીતેની ગોઠવણ કરવામાં આવી હતી. આમ, આ એક દિવસીય શિબિરમાં મોરબી જિલ્લાના મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ, માળીયાના મહેસુલીતંત્રનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી અરજદારો પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવી ટીમભાવનાથી ભાઇચારાથી પ્રશ્નોના નિકાલ માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું.