ટંકારા : મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં મિતાણા ગામ નજીક આવેલ ડેમમાં એક આધેડ કોઈ કારણોસર ડૂબી ગયા હતા. આ અંગેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોચી હતી અને ડેમમાં ડૂબેલા આધેડની લાશને બહાર કાઢી હતી. આ બનાવની પોલીસે એડી નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ ટંકારા નજીકના છતર ગામે આવેલા કારખાનામાં રહીને મજૂરી કામ કરતા શિવકુમાર બિહારીલાલ (ઉ.૪૨) રહે. હાલ. છતર, યુનિક ફોસેટ કંપની સ્થિત મજૂરોની ઓરડીમાં, મૂળ રહે. સહાયકપુર તા. જીએનપુર, જી. આજમગઢ, ઉત્તરપ્રદેશ નામના આધેડ મિતાણા ડેમમાં ડૂબી ગયા હોવાની જાણ મોરબી ફાયર બ્રિગેડ વિભાગને થતા ટીમના વિનુભાઈ ભટ્ટ, કાર્તિકભાઈ ભટ્ટ, રતિલાલ, ધર્મેન્દ્રભાઈ ડાભી, વંસતભાઈ પરમાર, સલીમ નોબે, હિતેશભાઈ દવે, જયદીપભાઈ, પ્રકાશભાઈ તથા કાનભા મિતાણા ડેમ દોડી ગયા હતા અને આધેડની શોધખોળ કરીને ડેમમાં શોધખોળ કરતા આધેડની લાશ જ હાથ આવી હતી. લાશ બહાર કાઢી ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકે આત્મહત્યા કરી છે કે અકસ્માતે ડેમમાં પડી ગયા છે તે જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ ટંકારા પો.મથકના પો.હેડ.કોન્સ. એફ.આઈ.પઠાણ ચલાવી રહ્યા છે.