રૂ. 2 કરોડની ગ્રાન્ટ ખર્ચીને ટ્રાફિક સમસ્યાને હળવી કરાશે : રોડની બાજુમાં રહેલી કેનાલને ઢાંકી દેવાશે મોરબી : મોરબીની રવાપર ચોકડી પાસે સર્જાતી ભારે ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા માટે ધારાસભ્ય લલિત કગથરા રૂ. 2 કરોડની ગ્રાન્ટ ખર્ચવાના છે. તેઓની ગ્રાન્ટમાંથી અહીં સર્કલ, ફોરલેન રોડ અને કેનાલને ઢાંકવાનું કામ કરવામાં આવશે. મોરબી નજીક રવાપર ચોકડીથી રવાપર સુધીના વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યા નિવારવા ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા રૂ. 2 કરોડની ગ્રાન્ટ વાપરવામાં આવનાર છે. તેઓની ગ્રાન્ટમાંથી અહીં સર્કલ બનાવવામાં આવશે જેથી ભારે વાહનોને કારણે ટ્રાફિક જામ ન થાય. આ ઉપરાંત અહીં રવાપર ગામ સુધીનો ફોર ટ્રેક રોડ પણ બનાવવામાં આવશે. ઉપરાંત રોડની બાજુમાં રહેલી કેનાલને પેક કરી દેવામાં આવશે. આ કામ માટે ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ પણ લીધી હતી. વધુમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા ટંકારા બસ સ્ટેન્ડ તરફ પણ ધ્યાન આપીને ત્યાં સુવિધા ઉપલબ્ધ કરાવીને તેને ધમધમતું કરે તેવી લોકમાંગ ઉઠી છે.