ઓરિસ્સાના વતની સાથે પડ્યા પર પાટું જેવી ક્રૂર ઘટના : અકસ્માત બાદ કોન્ટ્રાક્ટરે તાત્કાલિક બોર્ડ મૂકી પાપ છુપાવવાનો કરેલો પ્રયાસ મોરબી : આપણે ઘણી વાર સાંભળીયે છીએ કે કોઈ વ્યક્તિ સાથે કુદરતે ક્રૂર મજાક કરી છે. પણ આવી ક્રૂર મજાક હવે સરકારી કામના કોન્ટ્રાક્ટરો દ્વારા પણ થઈ રહી હોવાનો એક બનાવ સામે આવતા લોકો સડક બનાવતા કોન્ટ્રાકટર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ આજે સવારના છ વાગ્યાના સુમારે રાજકોટથી મોરબી આવી રહેલી GJ 36 B 1028 નંબરની કારને ટંકારા પાસે માનવ સર્જિત અકસ્માત નડ્યો હતો. ઓવરબ્રિજના કામ માટે ખોદેલા ખાડામાં કે તેની આજુબાજુ ડાઇવર્ઝનનું કોઈ સૂચના બોર્ડ ન હોવાને કારણે કાર સીધે સીધી મોતના કૂવા સમાન ખાડામાં ખાબકતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીના કેતન પ્રજાપતિ અને નાનુરામ સિમકુને ગંભીર ઇજા પહોંચી હોય 108ના પાયલોટ છેલુભાઈ અને ડો. દિનેશભાઈ દ્વારા પ્રાથમિક સારવાર સાથે મોરબી ખસેડ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત નાનુરામ અંગે જાણવા મળેલી માહિતી અનુસાર તેઓ ઘણા દિવસો બિમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રહ્યા બાદ નાનુરામને રજા આપતા કેતનભાઇ તેને લઇ મોરબી જતા હતા ત્યાં ટંકારા પાસે અકસ્માત થતા ફરી હોસ્પિટલના બિછાને પટકાયા હતા આથી તેઓના પરિવાર પર ફરી એક આફત આવી પડી છે. જાણવા મળ્યા અનુસાર મૂળ ઓરિસ્સાના વતની નાનુરામ રાજકોટ સિવિલમાથી સારવાર લઈ એમના વતન જવા માટે રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે વતનના બદલે ફરી હોસ્પિટલમાં ખસેડવા પડતા કોન્ટ્રાક્ટરના પાપે તેઓની ક્રૂર મજાક થઈ હોવાનું જણાઇ રહ્યું છે. અકસ્માત બાદ કોન્ટ્રાક્ટરના માણસો તેનું પાપ છુપાવવા માટે તાત્કાલિક ડાયવર્ઝનનુ બોર્ડ શોધીને અકસ્માત વાળી જગ્યાએ ખોડી દેતા તેના પર રાહદારીઓ ફિટકાર વરસાવી રહ્યા છે . સાથે જ જવાબદાર અધિકારી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ઉપરી અધિકારીઓ કોન્ટ્રાક્ટરને તેની જવાબદારી નુ પાલન કરાવવામાં ઉણા ઉતરે છે જેના કારણે અનેક માસૂમ જિંદગી મોતના મુખમાં ધકેલાય છે. આ અંગે રોડ વિભાગના અધિકારી બાંસિદા સાથે વાત કરતા તેણે દબાણ હટાવવા, ડાયવર્ઝન બનાવવા અને ત્યારબાદ જ કામ કરવા સુચના આપી હોવાની ચવાઈ ગયેલ કેસેટ વગાડી હતી.