સખી મંડળ મહિલાઓના આર્થિક ઉત્થાનનું ઉત્તમ ઉદાહરણ : પોતાની મહેનતથી પગભર બનેલી સખી મંડળની બહેનો અન્ય બહેનો માટે પ્રેરણારૂપ મોરબી : રાજયમાં વસતા પ્રત્યેક નાગરિકનો સર્વાંગીણ વિકાસ થાય અને ભાઈઓની સાથે બહેનો પણ વિકાસના પથ ઉપર ઝડપભેર આગળ આવે અને એમનું આર્થિક રીતે સશક્તિકરણ થાય એ હેતુથી રાજ્ય સરકારે મહિલા સ્વસહાય જુથો સખી મંડળ સ્વરુપે રચીને તેમને સંગઠિત અને પ્રશિક્ષિત કરી, સક્ષમ બનાવી, આર્થિક બચત પ્રવૃત્તિમાં પ્રેરિત કરવા મિશન મંગલમ યોજના અમલી બનાવી છે. સખી મંડળના માધ્યમથી મહિલાઓ પણ આર્થિક વિકાસમાં સક્રિય ભાગીદાર બની રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ છે આ મોરબી જિલ્લા સેવા સદનમાં કેન્ટીન ચાલવતું સક્સેસ સખી મંડળ. અગ્યાર મહિલા સભ્યોનું બનેલ સક્સેસ સખી મંડળ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કેન્ટીન ચલાવીને તેઓ આર્થિક રીતે પગભર થઇ રહી છે. આ સખી મંડળમાં બહેનો દ્વારા નાસ્તો અને રસોઇ સાથે સમગ્ર કેન્ટીન ચલાવવાની ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૭માં તત્કાલીન જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ સક્સેસ સખી મંડળને કેન્ટીન ચલાવવાની મંજૂરી આપવાની સાથે કેન્ટીનની જગ્યા પણ આપવામાં આવી હતી. મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાના ધ્યેયને પરીપૂર્ણ કરવા સક્સેસ સખી મંડળની બહેનો દ્વારા મહિલાઓને વિવિધ પ્રકારની તાલીમ અને ત્યાર બાદ લોન પણ આપવામાં આવે છે. મહિલા મંડળના પ્રમુખ અને સંચાલક જાગૃતિબેન કિરીટભાઇ પરમાર જણાવે છે કે હું જ્યારે મિશન મંગલમમાં નોકરી કરતી હતી ત્યારે સખી મંડળ અંગે માહિતી મળી હતી. મહિલાઓ આર્થિક રીતે પગભર થાય અને માનભેર જીવન જીવી શકે તે હેતુથી સક્સેસ સખી મંડળની રચના કરી છે. એટલું જ નહીં આ સક્સેસ સખી મંડળ સંચાલીત કેન્ટીનની આવક દર મહિને ૫ થી ૭ હજારની આવક સાથે છેલ્લા ૨-૩ વર્ષમાં ત્રણથી ચાર લાખ રૂપિયાનો ફાયદો પણ થયો છે. કેન્ટીનમાં જમવા આવતા કર્મચારીઓ અને સરકારી કામકાજ માટે આવતા લાભાર્થીઓ પણ અહીં જમવાનું ચૂકતા નથી. અહીં જમતા કર્મચારીઓ જણાવે છે કે સખી મંડળ દ્વારા સંચાલીત આ કેન્ટીનમાં ઘર જેવું શુદ્ધ અને સાત્વીક ભોજન મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરીયાતમંદ બહેનોને આર્થિક રીતે પગભર કરવાનુ આરંભાયેલુ આ યજ્ઞકાર્ય આવનારા સમયમાં પણ મહિલાઓના આર્થિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ બની રહેશે. નામ પ્રમાણે કામ કરી સફળતાના શીખરો હાંસલ કરતું આ સખી મંડળને અન્ય સ્થાનો પર કેન્ટીન ખોલવા માટેના પ્રસ્તાવ મળ્યા હોવાનું જણાવી રહ્યા છે.