મોરબી : નવા વર્ષના સ્વાગત અને પુરા થતા વર્ષની આખરી રાતને રંગીન બનાવવા બુટલેગરો માટે 25 ડિસેમ્બર પછીની દરેક રાત જાણે કતલની રાત હોય એમ ખૂબ એક્ટિવ થઈ જતા હોય છે. દારૂની મોટાપાયે કરવામાં આવતી હેરફેર પોલીસની નજરે ચડી જવાના ભયે નાના જથ્થામાં તેમજ બાઇક જેવા વાહનોમાં દારૂની હેરફેર કરાતી હોય છે ત્યારે મોરબી તાલુકા પોલીસ એ દિશામાં પણ સક્રિય બનતા માળીયા તરફથી મોરબી આવતા રસ્તા પરથી એક શખ્સને બાઇકમાં દારૂના થેલા ભરીને લઈ જતા ઝડપી પાડ્યો છે.તાલુકા પો. મથકના પો. સબ. ઇન્સ. આર. બી. ટાપરિયા, પો. હેડ. કોન્સ. સંજયભાઈ મૈયડ, પો.કોન્સ. ભરતદાન દેથા, યોગીરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતના પો.સ્ટાફે પૂર્વ બાતમીના આધારે લક્ષ્મીનગર બસ સ્ટેન્ડના સામેના ભાગેથી પસાર થતા મોટરસાયકલ નંબર GJ 03- DB 8034ના ચાલકને અટકાવીને તલાશી લેતા બાઇક ચાલક અશ્વિન લાલજીભાઈ ફુલતરિયા ઉં. વ.45 રહે.ધૂંનડા (સજનપર) તા.જી.મોરબી વાળાને બે થેલામાં ભરેલી અલગ-અલગ બ્રાન્ડની 30 નંગ અંગ્રેજી દારૂની બોટલો કિંમત 25,600 સાથે ઝડપી પાડ્યો છે. બાઇક તેમજ દારૂની કુલ મળી 50, 260 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.