મોરબી : રવિવારે મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ગીતાંજલિ સ્કૂલ પાસે, વૈભવનગર નજીક (ધુતારી કાંઠે) સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા વિસ્તારની સઘન સફાઈ હાથ ધરાતા વૈભવનગરમાં સફાઈનો વૈભવ સ્પષ્ટ રીતે તાદ્રશ્ય થયો હતો. એકઠા થયેલા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. ટીમના 70થી વધુ કાર્યકરો દ્વારા વૈભવનગરમાં સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન સમિતિ મોરબી દ્વારા હવેથી દર રવિવારે એક બાદ એક સોસાયટી વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે તેવુ કમિટીએ નક્કી કર્યું છે. તમામ સોસાયટી વિસ્તારમાં લોકો જાગૃત થાય તેમજ બીજે પણ ગંદકી ન કરે, સાફ સફાઈ રાખે એવો સંદેશ આપવામાં આવશે. સફાઈ અભિયાનમાં લોકોને જોડાવા માટે સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ કાર્યમાં જોડવા માટે મોબાઇલ નંબર ૯૯૦૯૯ ૮૮૭૮૫ અને ૯૭૨૭૭ ૭૦૨૭૧ ઉપર સંપર્ક કરવા માટે એક યાદીમાં જણાવાયુ છે. ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે ઉદાસીનતા સેવવામાં આવતી હોવાથી શહેરમાં ઠેર ઠેર ગંદકીમાં ગંજ ખડકાયા હોવાથી અત્યાર સુધીમાં 500થી વધુ નાગરિકો ડેન્ગ્યુ જેવી બીમારીનો ભોગ બની ચુક્યા છે. ત્યારે પાલિકાએ કરવાના સફાઈ કાર્યની જવાબદારી નાગરિકો દ્વારા ઉઠવાઈ રહી છે. 8 લોકો દ્વારા શરૂ થયેલી સ્વચ્છતા અભિયાન સમિતિમાં હાલ 212 નાગરિકો સેવારત છે.