ભૂતકાળમાં જિલ્લા પંચાયતના કારીબારી ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન લાંચ માંગ્યાના આરોપમાં વિકાસ કમિશનરે તેમને હોદા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાને હોદા પરથી દૂર કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. જો કે મોરબી જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જે તે વખતે કારોબારી સમિતિના ચેરમેન હતા. તે વખતે લાંચ માંગ્યાની ફરિયાદ થયા બાદ એસીબીએ તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ લાંચ કેસના કારણે વિકાસ કમિશનરે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને હોદા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. મોરબી જિલ્લાના રાજકારણને હચમચાવી દેનાર આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જે તે વખતે મોરબી જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન હતા. તે સમયે તેમણે લાંચ માંગ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. તેથી એસીબીએ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સામે લાંચ માંગ્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ લાંચ કેસમાં કિશોરભાઈ ચીખલીયાએ આગોતરા જામીન મેળવી લીધા હતા. ત્યારે વિકાસ કમિશનરે આ લાંચ કેસમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાને હોદા પરથી દૂર કરવાનો લેખિતમાં આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો ઉપપ્રમુખ ગુલામ અલી પરાશરાને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. જો કે આ બાબતે કિશોરભાઈ ચીખલીયાનો સંપર્ક થઈ શક્યો ન હતો. પરંતુ ગુલામ અલી પરાશરાનો સંપર્ક થતા તેમણે જણાવ્યું હતું કે, વિકાસ કમિશનરે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને હોદા પરથી દૂર કરવાનો લેખિતમાં આદેશ આપ્યો છે. આ મામલાને ઉપલી કોર્ટમાં પડકારવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.