મોરબી : મોરબી જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલ જગ્યા પર સ્વવિનંતીથી બદલી માટે શિક્ષકોની મળેલ અરજીઓ અન્વયે ગઇકાલે તા. 23 ડિસેમ્બરના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના છ શિક્ષકોને માંગણીવાળી જગ્યાએ બદલી કરવાના હુકમો કરવામાં આવ્યા હતા. સોમવારે યોજાયેલા કેમ્પ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે વિનંતીથી બદલી અંગેની માધ્યમિક વિભાગમાં 10 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 3 બદલીની અરજીઓ મળી હતી. પારદર્શક રીતે યોજાયેલા કેમ્પમાં હાજર રહેલ 13 શિક્ષકોને જિલ્લામાં ખાલી રહેલી જગ્યાઓ ડિસ્પ્લે કરી પસંદગીની તક આપવામાં આવી હતી. જે પૈકી માધ્યમિક વિભાગમાં 6 શિક્ષકોએ જગ્યા પસંદ કરી હતી, 2 શિક્ષકોને તેમના વિષયની જગ્યા ઉપલબ્ધ ન હતી. જ્યારે 5 શિક્ષકો ઉપલબ્ધ જગ્યાઓ પૈકી પસંદગી કરવાનું ટાળ્યું હતું. જગ્યા પસંદગી કરનાર શિક્ષકોને તેમની બદલીના હુકમ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, પી. વી. અંબારિયા, જે. એમ. લશ્કરી, બી. જી. પરમાર, એસ. બી. ધાનજા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આમ, સોમવારે યોજાયેલા ફેરબદલી કેમ્પમાં 6 શિક્ષકોની બદલીઓ કરવામાં આવી હતી.