ત્રાજપર- ખારી વિસ્તારમાં ખુલ્લા ખાડાઓ સ્થાનિકો માટે જોખમરૂમ : તંત્રએ તાકીદે પગલાં લેવાની જરૂર મોરબી : મોરબીના સામાકાંઠે ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડાઓ જોખમી બની રહ્યા છે. જેમાં ત્રાજપર- ખારી વિસ્તારમાં ખુલ્લા ખાડાઓ વાહન ચાલકો માટે મોતનું કૂવો બને તેવી દહેશત વર્તાઈ રહી છે. જો કે આ ખુલ્લા ખાડાઓમાં અવારનવાર વૃદ્ધો પડી જતા હોવાના બનાવો બની રહ્યા છે. તેથી, સંબધિત તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં ધુંટુ રોડ પર આંગણવાડી તરફ જવાના માર્ગ ચાર થી પાંચ ભૂગર્ભના ખુલ્લા ખાડાઓ આવેલા છે. આ ભૂગર્ભના ખાડામાં ઢાંકણા ઢાંકયા નથી એટલે ખાડાઓ ખુલ્લા જ રહેતા હોવાથી જોખમી બની ગયા છે. આ વિસ્તારમાં રાત્રે લાઈટો પણ બંધ હોય છે. તેથી, રાત્રીના અંધારપટ્ટ દરમિયાન આ ખાડાઓ સ્થાનિક લોકો માટે મોતનો કૂવો બની જાય તેવી દહેશત છે. રાત્રી દરમિયાન આ ખાડાઓ એટલી હદે જોખમી બની ગયા છે કે,અવારનવાર લોકો ખુલ્લા ભૂગર્ભના ખાડામાં પડે છે. જેમાં શનિવારની રાત્રે જ એક વૃદ્ધા આ ભૂગર્ભના ખુલ્લા ખાડામાં પડ્યા હતાં અને તેમને ઇજા પહોંચી હતી. આથી રસ્તે ચાલીને નીકળતા લોકો કે વાહન લઈને નીકળતા લોકો માટે આ ભૂગર્ભ ગટરના ખાડા જોખમી બની ગયા છે અને સતત લોકો પર જાનનું જોખમ રહે છે.જોકે આ બાબતે લોકોએ સ્થાનિક તંત્રને અનેક વખત રજુઆત કરી છે પણ એ રજૂઆતો બેઅસર રહી છે.ત્યારે તંત્ર તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.