નવલખી પોર્ટથી. કોલસો ભરીને માતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનોની જોખમી અવરજવર સામે સ્થાનિક ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ મોરબી : મોરબીના ખાખરાળા ગામે આવેલ શેરીમાં એક ભારેખમ ટ્રક ઘુસી ગયા બાદ પલ્ટી ખાઈ ગયો હતો. જો કે આ ઘટનામાં સદનસીબે જાનહાની થઈ ન હતી. પણ નવલખી પોર્ટથી કોલસો ભરીને માતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનોની જોખમી અવરજવર અંગે સ્થાનિક ગ્રામજનોએ અગાઉ સંબધિત તંત્રને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આ ઘટના બનવાથી ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવલખી પોર્ટથી કોલસો ભરીને નીકળેલો ટ્રક નવલખી બાયપાસ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રક અચાનક બેકાબુ બનતા આ નવલખી રોડની લગોલગ આવેલ મોરબીના ખાખરાળા ગામે આવેલ એક શેરીમાં ઘુસી ગયો હતો. જો કે ટ્રક બેકાબુ હોવાથી પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. નવલખી પોર્ટથી કોલસો ભરીને મોરબી તરફ જતા ભારે વાહનો નવલખી હાઇવે પર માતેલા સાંઢની માફક દોડે છે. આ ભારે વાહનોની જોખમી અવરજવરથી અકસ્માતનો ભય હોવાથી અલગ અલગ ગામોના સરપંચો સહિતના ગ્રામજનોએ અગાઉ અનેક વખત સંબધિત તંત્રને રજુઆતો કરી હતી. પણ આ રજુઆતો બેઅસર રહી હતી. આથી, નવલખી પોર્ટ પરથી કોલસો ભરેલા વાહનોની બેરોકટોક જોખમી અવરજવર ચાલુ રહી છે. માતેલા સાંઢની માફક દોડતા વાહનોને કારણે વખતોવખત અકસ્માતના બનાવો બન્યા છે છતાં તંત્રએ કોઈ દરકાર કરી નથી. જેથી, આજે ખાખરાળા ગમે જોખમી બનાવ બન્યો હતો. પણ સદનસીબે જાનહાની થઈ ન હતી. નવલખી બાયપાસથી ખાખરાળા ગામની શેરીઓ લગોલગ આવેલી હોવાથી અહીંયા માતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનો બેકાબુ બને ત્યારે આવા ગંભીર અકસ્માતનો ખતરો વધી જાય છે. આજે ટ્રક શેરીઓમાં ઘુસી જતા સ્થાનિક ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો.જો કે અગાઉ ખાખરાળા ગામના લોકો અને સરપંચ એસોસિએશને આ બાબતે લાગતા વળગતા તંત્રને રજુઆત કરી હતી અને આવા ભારે વાહનોથી લોકોનો જીવ જોખમમાં હોય અને તેમાંથી કોલસીના રજકણનું પ્રદુષણ ફેલાતું હોવાથી આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આજે બનેલા બનાવથી ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો અને ભારેખમ વાહનો પણ અંકુશ મુકવાની માંગ કરી હતી.