મકનસર-ઢૂંવા વચ્ચે ચાલતા ઇલેક્ટ્રિકરણના કામને કારણે ટ્રેન સમયસર ન ઉપડતા અપડાઉન કરતા સેંકડો મુસાફરો અટવાયા મોરબી : મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન આજે કોઈપણ જાતની આગોતરી જાણકારી વગર વાંકાનેર ખાતે રોકી લેવામાં આવતા સેંકડો મુસાફરોમાં દેકારો બોલી ગયો છે. મોરબી-વાંકાનેર વચ્ચે નિયમિત ચાલતી ડેમુ ટ્રેન આજે સોમવારે અચાનક ન ચલાવાતા સેંકડો મુસાફરોમાં સમયસર કામ-ધંધાના સ્થળે પહોંચવા અને વિદ્યાર્થીઓને શાળા-કોલેજોએ પહોંચવામાં ભારે અગવડતા વેઠવાનો વારો આવ્યો છે. મકનસર-ઢૂંવા વચ્ચે ચાલી રહેલા ઇલેક્ટ્રિક કામના કારણે આજે ડેમુ ટ્રેન વાંકાનેર ખાતે જ રોકી દેવામાં આવી હતી. કોઈ પણ જાતની આગોતરી જાહેરાત વગર ટ્રેન ન ચાલતા રોજ મોરબી-વાંકાનેર વચ્ચે અપડાઉન કરતા સેંકડો મુસાફરો જે-તે રેલવે સ્ટેશનોએ અટવાઈ પડ્યા હતા. સવારે દસ સવાદસની આજુબાજુ મોરબી પહોંચતી ડેમુ ટ્રેન આ લખાય છે ત્યારે 11 વાગ્યા સુધી હજુ મોરબી પહોંચી નથી. જાણવા મળતી વિગતો મુજબ ડેમુ ટ્રેન હજુ વાંકાનેરથી રવાના જ થઈ નથી. દરરોજ અપડાઉન કરતા મુસાફરોને છેલ્લી ઘડીએ સડક માર્ગે એમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ભારે દોડાદોડી થઈ પડતા લોકો રેલવે વિભાગની અણઘડ કાર્યશૈલીથી રોષે ભરાયા છે ત્યારે ડેમુ ટ્રેન કેટલા વાગ્યાથી નિયમિત શરૂ થશે એ અંગે કોઈ સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી.