જોગનુંજોગ યુવાનના લગ્નની પ્રથમ વર્ષગાંઠના દિવસે જ બન્નેનો અકસ્માતમાં ભોગ લેવાતા ભારે અરેરાટી મોરબી : મોરબીના લાલપર ગામ પાસે આજે સવારે ટ્રેઇલરે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઇકમાં સવાર બન્ને સાળા બનેવીના કરુણ મોત નિપજ્યા હતા.જોગાનુજોગ આજે યુવાનની લગ્નની પ્રથમ વર્ષગાંઠ હોય બન્ને સાળા બનેવી બાઇક પર કારખાને કામ માટે ગયા બાદ પરત ઘરે આવતી વખતે જીવલેણ અકસ્માત નડ્યો હતો.સગા સાળા બનેવીના અકસ્માતમાં ભોગ લેવાતા તેમના પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામ પાસે આજે સવારે એક ટ્રેઇલર ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઇકમાં સવાર હેમંતભાઈ સાહું ઉ.વ.37 અને પ્રદીપભાઈ પઢીયાર ઉ.વ.32 નામના બન્ને યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા.આ બન્ને મૃતકો સંબંધમાં સગા સાળા બનેવી થાય છે.બન્ને સાળા બનેવી મૂળ ઓરિસ્સાના વતની અને વર્ષોથી મોરબીમાં સ્થાયી થયા હતા અને બન્ને મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ આવેલ શાંતિવન સોસાયટીમાં રહે છે.મૃતક હેમંત ઢુંવા પાસેની વરમોરા ફેકટરીમાં પેકેજીગનો કોન્ટ્રાકટર હતો અને પ્રદીપ પઢીયાર બ્લુઝનમાં કામ કરતો હતો.જ્યારે પ્રદીપ પઢીયારના લગ્નને એકવર્ષ પૂરું થતા પહેલી લગ્નની વર્ષગાંઠ હતી.આથી પ્રદીપ પઢીયાર આજે પોતાની લગ્નની વર્ષગાંઠ હોય તેના સાળા હેમંત સાહું સાથે તેની ફેક્ટરીએ કામ માટે બાઇક ઉપર નીકળ્યા હતા. બન્ને ઢુંવા કામ પતાવીને પરત લાલપર પાસે જઈ રહ્યા હતા ત્યારે તેમના બાઇકને ટ્રેઇલર ચાલકે ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બન્ને સાળા બનેવીના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.મૃતક હેમંત સાહુને સંતાનમાં બે પુત્રો છે અને પ્રદીપ પઢીયારના લગ્નને એક જ વર્ષ થયું હતું અને આજે લગ્નની વર્ષગાંઠ નિમિતે જમવા માટે વસ્તુઓ લઇને ધરે આવતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.