બન્ને જિલ્લાના ૧૩૩૯ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી : બે શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારીઓ અને બે શ્રેષ્ઠ દિવ્યાંગ સ્વ-રોજગારી કરતા વ્યક્તિઓનું સન્માન મોરબી : રોજગાર વિનિમય કચેરીઓ મોરબી અને સુરેન્દ્રનગરનાં સંયુક્ત ઉપક્રમે આજ રોજ મહિલા આઇટીઆઇ સુરેન્દ્રનગર મુકામે સાંસદ ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને ક્લ્સ્ટર મેગા જોબ ફેર, એપ્રેંટીસશીપ જોબ ફેર, સ્વ-રોજગાર માર્ગદર્શન શિબિર અને શ્રેષ્ઠ દિવ્યાંગોને પારિતોષિક એનાયત કરાયા હતા. ભરતી મેળામાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના મળીને કૂલ ૧૫૦૦ જેટલા રોજગાર વાંચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં ૫૪ જેટલા નોકરીદાતાઓએ ૧૩૩૯ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી હતી. ભરતી મેળા દરમિયાન ઇંડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સુરેન્દ્રનગર દ્વારા ૫૬ ખાતા ખોલાવવામાં આવેલ હતા. અદાણી સ્કીલ ડેવલપમેંટ સેન્ટર દ્વારા તાલીમ માટે ૮૩ જેટલા તાલીમાર્થીઓની પસંદગી કરાઇ હતી. એપ્રેંટીશશીપ યોજના અન્વયે આઇટીઆઇ દ્વારા ૨૭ પસંદગી પત્રો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સાંસદ શ્રી મહેન્દ્રભાઇ મુંજપરાએ રાજ્ય સરકારે ભરતી મેળાના માધ્યમથી ઉમેદવારોને રોજ્ગારી મેળવવાની ઉમદા તક આપી હોવાનું જણાવ્યું હતું. સુરેન્દ્રનગર નગરપાલીકાના પ્રમુખશ્રી ટોળીયાએ સરકારશ્રી દ્વારા અમલમાં રહેલ લોન યોજનાઓ અને સબસીડીની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રી જોબનપુત્રાએ ભરતી મેળા અને રોજગાર કચેરીની કાર્યવાહી વિશે છણાવટ કરી હતી. સ્વાગત પ્રવચન સુરેન્દ્રનગરના રોજગાર અધિકારીશ્રી જેઠવાએ અને આભાર દર્શન આઇટીઆઇ સુરેન્દ્રનગરના આચાર્યશ્રી શાહે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન બે શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારીઓ અને બે શ્રેષ્ઠ દિવ્યાંગ સ્વ-રોજગારી કરતા વ્યક્તિઓને મહાનુભાવોને હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હોવાનું જિલ્લા રોજગાર અધિકારીશ્રી જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.