સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો મોરબી: મોરબીમાં સગીરા પર દુષ્કર્મ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં અમદાવાદ રહેતા તેના કૌટુંબિક બનેવીએ મોરબી આવીને પોતાની પત્નીને છૂટાછેડા આપવાની ધમકી આપી સગીરાનું અપહરણ કરીને લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ બનાવની ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી સગીરાની પિતરાઈ બહેન અમદાવાદમાં સાસરે છે.તેની આ પિતરાઈ બહેનના પતિ વિશાલ વિનોદભાઈ ઝાલા ઉ.વ.24 એ મોરબી રહેતી સગીર વયની કૌટુંબિક સાળી પર નજર બગડી હતી અને આ શખ્સ ગઈકાલે પોતાની કૌટુંબિક સાળીને મળવા અમદાવાદથી મોરબી આવ્યો હતો.અંતે તેણીની કોલેજ પાસે જઈને હું તારી પિતરાઈ બહેનને છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપીને સગીરાને કોલેજ પાસેથી અપહરણ કરીને લઈ ગયો હતો બાદમાં તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ બાદ ભોગ બનનાર સગીરાની માતાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે,ગઈકાલે કૌટુંબિક બનેવીએ તેની સગીર વયની સાળી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી અને અમદાવાદથી મોરબી આવેલા દુષ્કર્મના આરોપી કૌટુંબિક બનેવીને એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.તેની સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.