સાંસદ મોહનભાઇ કુંડારિયાની આગેવાનીમાં 700 કારોના કાફલા સાથે યોજાશે રેલી : કાયદા વિશે ફેલાયેલી અસમંજસ દૂર કરવા થશે પ્રયાસ મોરબી : નાગરિકતા સંશોધન બીલે કાયદાનું સ્વરૂપ લેતા જ દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. ખાસ કરીને લઘુમતી સમાજમાં કાયદાને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયાની આગેવાનીમાં આવતી કાલે રવિવારે 'રાષ્ટ્રહિત લોકજાગૃતિ' અર્થે મહારેલીનું આયોજન મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કાયદા વિશે લઘુમતી સમાજમાં ભ્રામક માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે, કાયદાનું ખોટું અર્થઘટન કરીને લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે. જેને કારણે અમદાવાદ-સુરત અને ઉત્તર ગુજરાતમાં હિંસક પ્રદશનો પણ થયા હતા. આથી લોકોને આ કાયદા વિશે સ્પષ્ટ સમજ આપવા તેમજ કાયદાને સમર્થન આપવા માટે આવતી કાલે તારીખ 22ને રવિવારના રોજ સવારે 09 કલાકે મોરબીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડથી શરૂ કરીને સામાંકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ સુધી આ રેલી જશે. આ રેલીમાં 700 જેટલી કારો અને 1000 કરતા વધુ બાઇક ચાલકો જોડાઈને આ કાયદાને સમર્થન આપવાનો કોલ આપશે. લોકોમાં કાયદા વિશે ફેલાયેલા ભ્રમને દૂર કરવાના આ પ્રયાસમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને સાગરભાઈ સદાતિયા સહિતના આગેવાનો જોડાશે. કાયદાના સમર્થનમાં ઉપસ્થિત રહેવા લોકોને જાહેર આહવાન કરવામાં આવ્યું છે.