પ્રધાનમંત્રી- મુખ્યમંત્રી આવાસોમાં પાણીના ધાંધીયાને કારણે હજુ અનેક લાભાર્થીઓ આવાસોમાં રહેવા આવ્યા નથી મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું ઘર આપવા માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા આવાસોમાં પાણીનો વિકટ પ્રશ્ન છે. લાભાર્થીઓએ છતે પાણીએ વલખા મારવા જેવી નોબત આવી છે. પાલિકા તંત્રએ આવાસો તો સોંપી દીધા પણ પાણીની સુવિધા આપવાની કોઈ દરકાર કરી નથી. જેથી અનેક લાભાર્થીઓ હજુ સુધી આવાસોમાં રહેવા આવ્યા નથી. સ્થાનિક રહીશોની અનેક રજૂઆતો પણ બેઅસર રહી છે. મોરબીમાં ઝૂંપટપટ્ટીમાં રહેતા તથા ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં છે. મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકો માટે શનાળા બાપપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે અને લીલાપર રોડ ઉપર આવાસો બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 680 આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 334 મકાનોના ડ્રો થઈ ગયા બાદ લાભાર્થીઓને સોંપણી કરવામાં આવી હતી. પણ રહેવા માત્ર 60 -70 જેટલા લોકો જ રહેવા આવ્યા છે. એનું મૂળ કારણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ખાસ કરીને આ આવાસોમાં પાણીની ગંભીર સમસ્યા છે. આવાસોમાં પાણીની સુવિધાઓ ન હોવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવાસોમાં પાણીની ટાંકી બનાવવામાં આવી ન હોવાથી સ્થાનિક રહીશોને છતે પાણીએ વલખા મારવા પડે તેવી હાલત છે. આથી સ્થાનિક લોકોને બોરમાંથી સીંચીને પાણી લેવું પડે છે. બીજા ત્રીજા માળે રહેતા લોકોને પાણી મેળવવા વારંવાર ચડ ઉત્તર કરવી પડે છે. તેથી ઘણા લોકો અહીં રહેવા આવ્યા નથી. રૂ.67.75 કરોડના ખર્ચે આ યોજના તૈયાર થઈ છે. જ્યારે લીલાપર રોડ ઉપર મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 3 થી 4 વર્ષ પહેલાં 400 આવાસો બનાવવામાં આવ્યા હતા. જે હવે ખંડેર જેવા બની ગયા છે. ત્યાં પણ પાણીની ગંભીર સમસ્યા છે. અને અનેક રજુઆત પણ બેઅસર રહી છે. નગરપાલિકાની યોજનાઓ લોકો માટે સુવિધાને બદલે દુવિધાગ્રસ્ત બની ગઈ છે.