આર્ટ ઓફ લિવિંગ દ્વારા કેદીઓને વિવિધ સમજણ અપાઈ, આગામી દિવસોમાં આર્ટ ઓફ લિવિંગનો કોર્સ પણ કરાવાશે મોરબી : મોરબી જેલમાં સજા કાપી રહેલા કેદીઓ પોતાનું આગળનું જીવન ખૂબ સારી રીતે વિતાવે તેવા હેતુથી આર્ટ ઓફ લિવિંગ દ્વારા જેલમાં ખાસ સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ટિચર દ્વારા વિવિધ મુદ્દે કેદીઓને સમજણ આપવામાં આવી હતી. મોરબી જેલમાં વિવિધ ગુનાની સજા કાપી રહેલા કેદીઓ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહીને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે તે માટે જેલના સ્ટાફ દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવતી રહે છે. આવી જ રીતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા પણ જેલમાં ખાસ સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બે કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં માણસ કેવી રીતે ખુશ રહી શકે, ખુશ રહેવા માટે શુ શુ કરવું, નકારાત્મકતા કેવી રીતે કાઢી શકાય તે સહિતના મુદ્દાઓ ઉપર આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ શિક્ષક શૈલેષભાઇ દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ વેળાએ આગામી દિવસોમાં કેદીઓને આર્ટ ઓફ લિવિંગનો કોર્સ કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, આર્ટ ઓફ લિવિંગના જયરાજસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, ભારતીબેન કાથરાણી તેમજ જેલર એલ.વી. પરમાર અને પી.એમ.ચાવડા સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.