રાજ્ય સરકાર દ્વારા 21ના મહેકમ સાથે નવું ફાયર સ્ટેશન મંજુર થતા તેનો ઠરાવ પસાર કરવા ખાસ બોર્ડ બોલાવાયું : મંજુર થયેલું નવું ફાયર સ્ટેશન સામાકાંઠે બનાવવાની માંગ મોરબી : રાજ્ય સરકાર દ્વારા મોરબી શહેર માટે નવું મહેકમ સાથે નવું ફાયર સ્ટેશન બનાવવાનું મંજુર કરવામાં આવ્યું છે. ત્યારે નવા ફાયર સ્ટેશનના એજન્ડાને બહાલી આપવા માટે આજે ખાસ મોરબી નગરપાલિકામાં જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં નવું ફાયર સ્ટેશન બનાવવાના એજન્ડાને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો. જો કે ભાજપના સદસ્યોએ આ નવું ફાયર સ્ટેશન સામાકાંઠે બનાવવાની માંગ કરી હતી. મોરબી નગરપાલિકામાં પ્રમુખ કેન્ટ વિલપરાના અદ્યયક્ષ સ્થાને ખાસ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા મોરબી શહેરમાં નવું ફાયર સ્ટેશન બનાવવા કામને મંજૂરી આપવામાં આવી છે. તેમજ નવા ફાયર સ્ટેશન માટે અલાયદું મહેકમ પણ ફાળવવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારમાંથી નવા ફાયર સ્ટેશનને મંજૂરી મળતા આ ઠરાવ પસાર કરવા માટે મોરબી નગરપાલિકાના કાઉન્સિલ હોલમાં સ્પેશિયલ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. આ જનરલ બોર્ડમાં એકમાત્ર નવા ફાયર સ્ટેશનને મંજૂરી આપવાના એજન્ડાને જ સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ નવું ફાયર સ્ટેશન રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવશે. નવા ફાયર સ્ટેશને મંજૂર કરવા માટેના સ્પે. બોર્ડમાં કુલ 52 માંથી ભાજપ કોંગ્રેસના મળીને 37 સદસ્યો હાજર રહ્યા હતા. અને નવા ફાયર સ્ટેશનના કર્મચારીઓનું વેતન પણ રાજ્ય સરકાર ચૂકવશે. પાલિકામાં આ ઠરાવનો સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. આ ફાયર સ્ટેશન માટે 21 જગ્યાઓ ભરવામાં આવી છે. જેમાં ડીસ્ટીક ફાયર ઓફિસર એક, સ્ટેશન ફાયર ઓફિસરની એક, ફાયર વાયરલેસ ઓફિસર એક, નાયબ એકાઉટન્ટ એક, કલાર્ક એક, લોડીગ ફાયરમેન એક ડ્રાઇવર કમ પંપ ઓપરેટર 3, ફાયરમેન કમ ડ્રાઇવર 12 મળીને 21 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. જો કે મોરબી શહેરમાં હાલ એક ફાયર સ્ટેશન હોય આ મંજૂર થયેલું ફાયર સ્ટેશન મોરબીના સામાકાંઠે બનાવવા આવે તેવી ભાજપના સદસ્યોએ માંગ કરી હતી.