ધીમી નેટની સ્પીડ, ફોન ન લાગવા, ચાલુ વાતે ફોન કટ થઈ જવા જેવી અસંખ્ય ફરિયાદો બાદ પણ મોબાઈલ કંપનીઓના આંખ આડા કાન મોરબી : જીવન જરૂરી બની ગયેલા મોબાઈલ આજે દરેક વર્ગના વ્યક્તિઓ માટે આશીર્વાદરૂપ સાધન છે. મોબાઈલ કંપનીઓની ગળાકાપ સ્પર્ધાને કારણે લોકોને સસ્તા ભાવે સર્વિસ આપવા મજબુર મોબાઈલ કંપનીઓ પૈકીની ઘણી કંપનીઓએ દેવાળું ફૂંકતા બાકી બચેલી કંપનીઓને ગ્રાહકોને લૂંટવા માટે મોકળું મેદાન મળી ગયું હોય એમ ટ્રાઈને દબાવીને ટેરીફ પ્લાનમાં 25 ટકા જેવો ધરખમ વધારો ઝીંકી દેવાયો હતો. જીઓ જેવી કંપનીએ પ્રારંભિક સસ્તી ઓફરો બાદ સર્વિસમાં ભાવ વધારો કર્યો. બંધ થયેલી કંપનીઓના ગ્રાહકો ચાલુ રહેલી કંપનીઓમાં પોર્ટેબિલિટીથી વધ્યા. આથી નેટવર્કના ધંધિયા શરૂ થયા છે. મોરબી શહેર જિલ્લામાં ઔધોગિક વિકાસને પગલે મોબાઈલ અને નેટનો વપરાશ વધ્યો છે. સીરામીક એકમો આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા છે ત્યારે નેટનો વપરાશ વધુ છે. સરકારે પણ મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરી છે ત્યારે નેટની સ્પીડ જરૂરી બની છે ત્યારે જ મોરબી જિલ્લામાં મોબાઈલ કંપનીઓએ તેઓનું નેટવર્ક ન સુધારતા લોકોને 2Gની સ્પીડ પણ મળતી નથી. 4G સેવાનો તગડો ચાર્જ વસુલતી આઈડિયા-વોડાફોન, બીએસએનએલ, જીયો જેવી કંપનીઓની સેવા હાલ તદ્દન ખાડે ગઈ છે. સ્પીડના ધંધિયા ઉપરાંત નેટવર્ક ન મળવું, ચાલુ વાતે ફોન કપાઈ જવો જેવી સમસ્યાઓ વધી છે. કસ્ટમકેરમાં ફોન કરતા કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી. મોટે ભાગે તો કસ્ટમકેર સેન્ટરનો ફોન જ લાગતો નથી. ફોન લાગી જાય તો ઓટો આન્સર સિસ્ટમની લાંબી પ્રક્રિયાથી ગ્રાહક થાકી જાય એ હદે સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતે ગ્રાહકોએ જાગૃત થઈ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા એક મંચ પર એકઠા થવું જરૂરી બન્યું છે.