કપડાંની દુકાનમાંથી તરકરો ઠંડી બચવા ગરમ વસ્ત્રો ઉઠાવી ગયા! રોડક સહિતની ચીજવસ્તુઓની ચોરી મોરબી : મોરબીમાં ઠંડી વધતાની સાથે જ તસ્કરોનો તરખાટ વધ્યો છે. જેમાં જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલા કોમ્પલેક્ષની 10 દુકાનોના તાળા તોડીને તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ એકસાથે 10 દુકાનોને નિશાન બનાવીને રોકડ તેમજ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ચોરી કરી ગયાનું જાણવા મળે છે. તસ્કરોનો નાઈટ કોમ્બિગ સામે આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબીમાં કડકડતી ઠંડી શરૂ થતાની સાથે તસ્કરો કસબ અજમાવવા મેદાને પડ્યા હોય તેમ એકસાથે 10 દુકાનોમાં ચોરી થયાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે આવેલ શ્રીરામ પ્લાઝા નામના કોમ્પલેક્ષમાં ગતમોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ શ્રીરામ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી મોબાઈલ, અનાજ કારીયાણા, દવાખાનું,કપડાં, નાસ્તા સહિતની ચીજવસ્તુઓની 10 દુકાનોને નિશાન બનાવીને તાળા તોડયા હતા. તસ્કરો આ દુકાનોમાંથી રોકડ કે માલમતા જે હાથ લાગ્યું તેની ચોરી કરી ગયા હતા. આજે વેપારીઓ પોતાની દુકાને નિયત સમયે આવ્યા ત્યારે દુકાનના શટર ઉચકેલા જોવા મળતા ચોરીની ઘટના બહાર આવી હતી. જો કે હાલ આ 10માંથી 6 દુકાનોના માલિકો પોતાની દુકાને આવ્યા હતા. ત્યારે તેમને ચોરીની ખબર પડી હતી. બાકીની દુકાનોના માલિકો હજુ આવ્યા ન હોય કુલ કેટલા મુદામાલની ચોરી થઈ તેનો ચોક્કસ આંક જાણવા મળ્યો નથી. પણ આ દુકાનોમાં આશરે 15 થી 20 હજાર રોકડા રૂપિયા, કપડાંની જોડી, ગરમ વસ્ત્રો બ્લેન્કેટ, જાકિટ, સ્વેટર સહિતની વસ્તુઓની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તારણ છે.ખાસ કરીને ઠંડી વધતા તસ્કરોનો તરખાટ વધ્યો છે. જો કે અહીં થોડા દિવસો પહેલા કપડાંની દુકાનમાં ચોરી થઈ હતી. ત્યારે પણ કપડાંની ચોરી થઈ હતી. ફરી ગતરાત્રે આ જ કપડાંની દુકાનમાંથી ચોરી થઈ છે. આ સાથે તેની બાજુમાં આવેલી બીજી 9 દુકાનોમાંથી પણ તસ્કરોએ હાથફેરો કરીને 'પકડ શકો તો પકડ લો'નો ખુલ્લેઆમ પડકાર આપ્યો છે. તસ્કરો હવે બેખોફ બન્યા છે. ત્યારે પોલીસ તસ્કરો સામે કડક હાથે કામ લેશે કે કેમ તે જોવાનું રહ્યું.