પ્રથમ દિવસે જ લાખો પાટીદારો ઉમટ્યા : 22મી સુધી ચાલશે યજ્ઞ મોરબી : મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરાના પરિવારના મુખ્ય યજમાન પદે ઊંઝામાં આજથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે. વિશ્વ વિક્રમ સર્જનાર આ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ આજે તા. 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી યોજવામાં આવેલ છે. આ મહાયજ્ઞમાં કુલ 1100 દૈનિક પાટલા યજમાન રહેશે અને 108 યજ્ઞકુંડ રાખવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં 'ઉમિયા નગર' ખાતે પાટીદાર સમાજના કુળદેવી માતા ઉમિયાના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 'ન ભૂતો, ન ભવિષ્યતિ' તેવા આ લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાનપદનું સ્થાન મોરબીના સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ પટેલનો પરિવાર ધરાવે છે. ગોવિંદભાઈ વરમોરા પરિવારે સવા ચાર કરોડ રૂપિયાની ધનરાશીનું દાન કરી લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય ભામાશા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન”ના પ્લેટિનમ ટ્રસ્ટી અને કોર કમિટીના સક્રિય સભ્ય તેમજ મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગ સનહાર્ટ ગ્રુપ પરિવારના મોભી ગોવિંદભાઈ વરમોરા દ્વારા ઊંઝા લક્ષ્યચંડી મહાયજ્ઞ માટે ઉછામણીમાં રૂ. 4,25,55,551ની બોલી બોલવામાં આવી હતી. જેથી, તેઓ આ યજ્ઞના મુખ્ય યજમાન બન્યા છે.