યોગ્ય પગલાં નહિ લેવામાં આવે તો જે કાર્યવાહી થશે તેની જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસરની રહેશે તેવી ચીમકી મોરબી : મોરબીની ચંદ્રેશનગર સોસાયટીના સ્થાનિકો દ્વારા સોસાયટી પાસે થઇ રહેલા ગેરકાયદેસર બાંધકામ અને ભૂગર્ભ ગટર તોડવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ યોગ્ય નહિ લેવામાં આવે તો જે કાર્યવાહી કરવામાં આવશે, તેની જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસરની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી. ન્યુ ચંદ્રનગર સોસાયટીની બાજુમાં સતનામ નગરનું નિર્માણ થયું છે. જે વજેપર સર્વે નંબર 1251 (2) છે. જેમાં બહુમાળી ઇમારતો બનાવવામાં આવી રહી છે. જેની ભૂગર્ભના નિકાલ માટે ન્યુ ચંદ્રનગર સોસાયટીની ભૂગર્ભગટર સાથે કનેક્શન આપવાની તજવીજ કરવામાં આવી રહી છે. જે અટકાવવા એક અઠવાડિયા પહેલાં સોસાયટીના સ્થાનિકો દ્વારા લેખિત રજૂઆત કરેલ હતી. પરંતુ તે અરજી અન્વયે હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. આથી, સ્થાનિકો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે કરવામાં આવેલ લેખિત રજૂઆત અનુસાર ચીફ ઓફિસર તેની ફરજમાં નિષ્ફળ રહ્યા છે. તેમજ સ્થાનિકો દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે આ બની રહેલા બહુમાળી ઇમારતોના તમામ કાયદાકીય કાગળો ચેક કરવામાં આવે અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે. તેમજ રેરાના કાયદાનો ભંગ થતો હોય તો રેરાના અધ્યક્ષને જાણ કરવામાં આવે. ન્યુ ચંદ્રનગર સોસાયટીના રોડમાં આ ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામોની ભૂગર્ભ અને રોડ જોડી દેવામાં આવશે તો ચીફ ઓફિસર ફરજમાં બેદરકાર રહ્યા છે, તેવું માનવામાં આવશે. તેમજ આગળની જે કાર્યવાહી કરવાની ફરજ પડશે, તેની જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસરની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી.