૫૪ લાખના સોનાની લેતીદેતીના મામલે વૃદ્ધનું મુંબઈથી અપહરણ કરી, તેની વડોદરામાં હત્યા કરી હળવદના ડેમમાં લાશને ફેંકી દેવામાં આવી હળવદ : મુંબઈમાંથી વૃધ્ધનુ અપહરણ કર્યા બાદ વડોદરામાં હત્યા કરી લાશને હળવદ તાલુકાના સૂર્યનગર પાસેના બ્રાહ્મણી-૨ ડેમમાં ફેંકી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેથી, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના ત્રણ વેપારીઓની ધરપકડ કરી હતી. જે લોકોની ધરપકડ કરવામાં આવી, તેમાં બે અમદાવાદ અને એક કેશોદના વેપારી હોવાનું સામે આવ્યું છે. સસ્તી કિંમતે સોનું ખરીદવાની લાલચમાં ૫૪ લાખ રૂપિયા ગુમાવ્યાના રોષમાં અમદાવાદના વેપારીએ સાથીઓ સાથે મળી ઘાતકી યોજના બનાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનીક - ૧૦ના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સુનિલ માનેની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ ભાઈલાલભાઈ પટેલ, જૂનાગઢના કેશોદ તાલુકામાં રહેતા ગોપાલ ઉર્ફે કરણ લીલાભાઈ પરમાર અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા રાજુભાઇ રામભાઇ આગઠ તરીકે થઈ હતી. જેથી, પોલીસ દ્વારા તેઓને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ એર ઇન્ડિયામાં એન્જિનિયર પદેથી નિવૃત્ત થયેલા દિપક અમૃતલાલ પંચાલ (ઉમર વર્ષ ૫૯) ૨૯ સપ્ટેમ્બરની સવારે દસ વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા બાદ પાછા ફર્યા ન હતા. જેથી, આ અંગે અંધેરી પોલીસ સ્ટેશનમાં દીપક પંચાલ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ પંચાલની શોધખોળ ચલાવી રહી હતી. તે દરમિયાન તેમના પરિવારજનોને માહિતી મળી હતી કે પંચાલનુ અપહરણ થયું છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ ૨૦ ઓક્ટોબર અપહરણનો ગુનો નોંધ્યો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. જેથી, પોલીસે તપાસ અર્થે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ બાબતનો અભ્યાસ કરી રહી હતી ત્યારે હળવદ તાલુકાના સૂર્યનગર ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી હળવદ પોલીસને અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પરથી મૃતદેહને ગોદડામાં વીંટાળીને સિમેન્ટના થાંભલા વડે બાંધી મૃતદેહને ડેમમાં ફેંકવામાં આવ્યું હોવાનું જણાવા મળ્યું હતું. હળવદ પોલીસની તપાસમાં આ મૃતદેહ દિપક અમૃત લાલ પંચાલનો હોવાનું સામે આવ્યું હતું. જેથી, હળવદ પોલીસે આ અંગેની જાણ મુંબઈ પોલીસને કરી હતી અને મુંબઇ પોલીસ હળવદ ખાતે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પોતાની ઓળખ છુપાવી વારંવાર પોતાનું ઠેકાણું બદલી રહ્યા હતા અને ત્રણેય આરોપીઓનુ પગેરું શોધી, તેમને ગુજરાત અને દિલ્હીથી પકડવામાં આવ્યા છે. ઝડપી લેવાયેલા ત્રણેય આરોપીઓએ એ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અમદાવાદના વેપારી જયંતીભાઈ પટેલે સસ્તી કિંમતે સોનું ખરીદવાની લાલચમાં સુરતના વેપારીને ૫૪ લાખ રૂપિયા આપ્યા હતા. જયંતીભાઈ પટેલને સોનુ તો ન મળ્યું પરંતુ રૂપિયા પાછા આપવામાં પણ આનાકાની કરવામાં આવી હતી. આ મામલામાં મૃતક પંચાલે મધ્યસ્થી કરી હતી. પરિણામે પટેલે દોષનો ટોપલો પંચાલ પર ઢોળ્યો હતો. તેમનું ૨૯ સપ્ટેમ્બરની સવારે કારમા અપહરણ કરવામાં આવ્યું હતું। તેને ઘણી મારપીટ કરવામાં આવી હતી અને વડોદરામા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ લાશને હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં નાખી ગયાનું સામે આવ્યું છે. મૃતક દિપક અમૃતલાલ પંચાલની લાશ હળવદ તાલુકાના સૂર્ય નગર પાસેના બ્રાહ્મણી-૨ ડેમમાંથી તારીખ ૨૧/૧૧ના રોજ મળી આવી હતી. જેથી, હળવદ પી.આઈ. સંદિપ ખાભલા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. તપાસ કરાતાં પ્રથમ તો કોહવાઇ ગયેલી લાશ ની ઓળખ મેળવવી મુશ્કેલ હતી પરંતુ પી.આઇ. ખાંભલા દ્વારા મૃતકના ખિસ્સામાંથી એર ઇન્ડિયાની ટિકિટ અને ઘડિયાળ મળી આવી હતી. જેથી, તે દિશામાં તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ થઈ હતી અને મુંબઈ પોલીસને જાણ કરી હતી. જેથી, મુંબઈ પોલીસ હળવદ આવી હતી. હાલમાં આ બનાવના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.