બે માસ સુધી ચાલનારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં 1830 શાળાઓ સહિતની સંસ્થાઓના 2.62 લાખ બાળકોના આરોગ્યની તપાસ થશે મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા શાળા આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.જેમાં બે માસ સુધી ચાલનારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં 1830 શાળાઓ સહિતની સંસ્થાઓના કુલ 2.62 લાખ બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવશે. ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં શાળા આરોગ્ય તપાસણીમાં મોરબી જિલ્લાના 19 કેન્સર, 38 કિડની અને 193 બાળકો હૃદયની બીમારી અને 13 બાળકો થેલેસેમિયાની બીમારીથી પીડાતા હોવાનું નિદાન થયું છે.આ તમામ બાળકોને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. મોરબી જિલ્લામાં 25 નવેમ્બરથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ બે મહિના સુધી ચાલશે. જેમાં 1830 શાળાઓ સહિતની સંસ્થાઓના 2,62,252 બાળકોનાં આરોગ્યની તપાસણી કરાશે. આ 1830સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 837 આંગણવાડી, 768 પ્રાથમિક શાળા, 214 હાઈસ્કૂલ અન્ય શાળાઓ 11 નો સમાવેશ થાય છે. જ્યારે 2.62 લાખ બાળકોમાં આંગણવાડીના 68,999, પ્રાથમિક શાળાના 1,47,646,હાઈસ્કૂલના 41,884, અન્ય શાળાના 1801 અને શાળાએ ન જતા 1622 બાળકોનો સમાવેશ થાય છે. કુલ 8388 કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. જેમાં એક સિવિલ હોસ્પિટલ, એક સબ ડ્રિસ્ટિકટ હોસ્પિટલ વાંકાનેર, સામુહિક આરોગ્ય કેન્દ્ર 6 અને 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 288 સબ સેન્ટરોમાં આ કામગીરી કરાશે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં 33 મેડિકલ ઓફિસર,11 આયુષ ડોકટરો, 204 ફિમેલ હેલ્થ વર્કર, 896 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 12 સ્ટાફ નર્સ, અન્ય 32 ડોકટર, 715 આંગણવાડી વર્કર, 795 આશાવર્કર, 6,447 શિક્ષકો આ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં જોડાયા છે. જ્યારે વર્ષ 2018માં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 208 હદય રોગ,40 કિડની, 34 બાળકી કેન્સર અને થેલેસેમિયાથી 25 બાળકો પડિતા હોવાનું નિદાન થયું હતું. જ્યારે ચાલુ વર્ષમાં ઓક્ટોબર 2019 સુધીમાં 193 હૃદય રોગ, 38 કીડની, 19 કેન્સર અને થેલેસીમિયાથી 13 બાળકો પીડાતા હોવાનું નિદાન થયા બાદ આ તમામ બાળકોને રાજકોટ અને અમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.