મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ખાતા દ્વારા મણિ મંદિર પાસેથી પસાર થઇ રહેલા એક વાહનને રોકી તેમાં ગેરકાયદેસર રીતે રાખેલા 30 LPG ગેસના બાટલા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શહેરના પાડા પુલને છેડે આવેલા મણી મંદિર પાસેથી પસાર થઈ રહેલા વાહન નંબર જીજે૩૬ટી૮૦૦ ઉપર શંકા જતા તેને અટકાવવામાં આવ્યું હતું. વાહનની તાપસ કરતા વાહનના પાછળના ભાગમાં ૧૦ મોટા અને ૨૦ નાના બાટલા રાખેલા હતા. પોલીસે આ બાટલાઓ વિષે વાહનચાલક રાહુલ મુળુભાઈ લુણી (ઉંમર ૨૩, રહે. લાલપર મેારબી)ને પૂછપરછ કરતા આરોપી ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં પોલીસે બાટલાના બીલ માંગતા વાહન ચાલાક પાસે બિલ ઉપલબ્ધ ન હતા. તેથી, પોલીસે આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે લાલપર પાસે આવેલ રાધે ગેસ એજન્સીમાંથી બાટલા ભર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ ગણીને બાટલા અને વાહન મળી કુલ રૂા.૫,૪૮,૦૦૦નો મુદ્દામાલ મુજબ કબ્જે કરેલ છે તેમજ વાહનચાલકને બનાવની વધુ તપાસ માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ છે.