મોરબી : મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ ઓરસન ઝોનમાં એક સાથે ત્રણ ફ્લેટ તાળા તોડીને તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ ૧.૮૨ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ચોરી અંગેની ફરીયાદ નોંધી તપાસ આદરી છે. મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ ઓરસન એપાર્ટમેન્ટને તસ્કરોએ નિશાન બનાવી એક સાથે કુલ ત્રણ ફ્લેટના તાળા તોડીને ચોરી કરી હતી. જેમા, ઓરસન એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી હસમુખભાઈ ધનજીભાઈ ગોહેલ (ઉંમર ૫૦)ના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેઓના મકાનના દરવાજાના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા સાથે ૯૧૦૦૦ના મુદામાલની ચોરી કરી હતી. આ ઉપરાંત તેની બાજુના જ ફલેટમાં રહેતા વિપુલભાઇ વિજયભાઇ વ્યાસના મકાનના પણ તાળા તોડી તસ્કરો તેના ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા સાથે ૮૩૦૦૦ના મુદામાલની ચોરી કરી હતી. આ એપાર્ટમેન્ટમાં નીચેના ભાગે રહેતા મહેશભાઇ મનુભાઇ ઝાલાના મકાનના તાળા તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા સાથે ૮૦૦૦નો મુદામાલની ચોરી ગયા હતા. આમ કુલ ૧.૮૨ લાખના મુદામાલની ચોરીના આ બનાવમાં પોલીસે હાલમાં ફરીયાદ લઇને તપાસ હાથ ધરી છે.