સરકારી પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી 200 બાળાઓને સ્વેટર અર્પણ કર્યા મોરબી : સામાન્ય રીતે, લોકો પોતાની પરસેવાની કમાણીમાંથી પોતાના રળેલા રૃપિયામાંથી કંઈકને કંઈક દાન પુણ્ય કરતા હોય છે. એક સમય હતો કે લોકો મંદિરોમાં જ દાન આપતા હતાં પણ હવે લોકોના વિચારોમાં પરિવર્તન જોવા મળે છે. હવે લોકો જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થતા હોય છે. મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલે રૂપિયા પચાસ હજારના ખર્ચે માધાપરવાડી કન્યા શાળા, બુનિયાદી કન્યા શાળા, બાજીરાજબા કન્યા શાળા, વિવેકાનંદ કન્યા શાળા, શકત શનાળા કન્યા શાળા, ધ ગીબશન મિડલ સ્કૂલ, મહેન્દ્રનગર કન્યા શાળા તથા પોલીસ લાઈન કન્યા શાળામાં અભ્યાસ કરતી શાળાની ધોરણ પહેલાની કુલ 200 બસો વિદ્યાર્થીનીઓને શિયાળાની ઠંડીમાં હૂંફ મળી રહે, ઠંડીમાં રક્ષણ મળે એવા આશયથી ઓસવાલ કંપનીના સ્વેટર અર્પણ કર્યા હતા. મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષણ પરિવારના વડા તરીકે નાના ભૂલકાઓની ચિંતા કરી શર્મિલાબેન હુંબલે પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ ઉપરોકત આઠેય શાળાના આચાર્ય, સર્વે શિક્ષકો તેમજ વાલીઓએ શર્મિલાબેનનો ઋણ સ્વીકાર કરેલ છે. આ તકે શ્રી માધાપરવાડી કન્યા શાળામાં તેઓએ ધોરણ પહેલામાં અભ્યાસ કરતી તમામ બાળાઓને સ્વેટર અર્પણ કરતા સમજાવ્યું હતું કે બધી દિકરીઓએ નિયમિત શાળાએ આવવાનું અને ભણી ગણીને હોશિયાર થવાનું, જે દીકરીની સૌથી વધુ હાજરી હશે એને આવતા વર્ષે કંઈક ભેટ આપીશ. આ વાતને 314 વિદ્યાર્થીનીઓએ હર્ષનાદથી વધાવી લીધી હતી. શાળા પરિવાર વતી શાલ ઓઢાડી તેઓનું સન્માન કરી રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી.