મુસાફરોના સ્વાંગમાં રિક્ષામાં બેસેલી 3 મહિલાઓએ વૃદ્ધ દંપતીના 2 લાખ તફડાવ્યા મોરબી : રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસીને સાથે બેઠેલા મુસાફરોના પૈસા-દાગીના ચોરી કરવાના બનાવો અવાર-નવાર બનતા હોય છે. આવો જ એક બનાવ ગઈ કાલે મોરબી શહેરમાં સામે આવ્યો હતો. મોરબી પાલિકાના નિવૃત કર્મચારી પોતાની પત્ની સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેઓની થેલીમાંથી રોકડા રૂપિયા બે લાખની અજાણી ત્રણ મહિલાઓ દ્વારા ચોરી કરવામાં આવી હતી. આથી ભોગ બનેલા વૃધ્ધે મોરબી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના આ બનાવની ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીની આ ઘટનાને અંજામ આપનારી મહિલાઓને ઝડપી પાડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ આદરી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલા વાલ્મીકિ વાસમાં રહેતા અને મોરબી પાલિકામાંથી સફાઈ કામદાર તરીકે નિવૃત્ત થયેલા નાથાભાઈ ટપુભાઈ પરમાર (ઉંમર ૬૫) તેઓના પત્ની મધુબેન સાથે મોરબીના પરાબજાર વિસ્તારમાં આવેલ દેના બેંકમાં રૂપિયા લેવા માટે ગયા હતા. બેંકમાંથી અઢી લાખ રૂપિયા ઉપાડીને ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમણે આ રોકડા રૂપિયા તેઓની પાસે રહેલ કપડાની થેલીમાં રાખ્યા હતા અને રીક્ષામાં બેસીના તેના ઘર તરફ જઇ રહ્યા હતા. તે સમયે આ વૃધ્ધ દંપતિની નજર ચુકવીને રીક્ષામાં મુસાફર બનીને બેઠેલી મહિલાઓ મધુબેન પાસે રહેલી થેલીમાંથી રોકડા રૂપિયા અઢી લાખ પૈકી બે લાખની ચોરી કરી ગઇ હતી. વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે નાથાભાઈ પરમારને તેઓના મકાનનું રિનોવેશન કામ કરવું હોવાથી તેઓ મોરબીના પરાબજાર વિસ્તારમાં આવેલ દેના બેંકમાં તેમના પત્ની મધુબેનની સાથે રોકડા રૂપિયા અઢી લાખ લેવા માટે ગયા હતા. બેંકમાંથી રૂપિયા ઉપાડી લીધા બાદ તેઓને ગાંધીચોક પાસે ખરીદી કરવી હોય બંને પતિ-પત્ની ગાંધીચોકમાં ગયા હતા અને ત્યાં ખરીદી કર્યા બાદ તેઓ ગાંધીચોકમાંથી રિક્ષામાં બેસીને વીસીપરા ફાટક સુધી આવી રહ્યા હતા. એ દરમિયાન અન્ય ત્રણ મહિલાઓ પણ રિક્ષામાં મુસાફર તરીકે બેઠી હતી. જે પૈકીની બે મહિલાઓ વૃદ્ધ દંપતીની સાથે રિક્ષામાં પાછળના ભાગમાં બેઠી હતી જ્યારે એક મહિલા રીક્ષામાં ડ્રાઇવરની બાજુમાં આગળ બેસીને મુસાફરી કરતી હતી. દરમિયાન ગાંધીચોકમાંથી રીક્ષામાં બેઠેલ નાથાભાઈ અને તેના પત્ની વીસીફાટક પાસે રીક્ષામાંથી ઉતર્યા બાદ રીક્ષા શહેરના સામાકાંઠા વિસ્તાર તરફ જતી રહી હતી. જોકે રિક્ષામાંથી ઉતરેલા નાથાભાઈના પત્નીએ તેઓની પાસે રહેલ રોકડ રૂપિયા ભરેલી થેલીમાંથી રૂપિયા ૨૦૦૦ની નોટનું બંડલ એટલે કે કુલ મળીને બે લાખ રૂપિયા ઓછા થઈ ગયા હોવાનું તેમને જણાવ્યું હતું. તાત્કાલિક તેઓ બેંકમાં પહોંચ્યા હતા અને બેન્કના મેનેજરને વાત કરી હતી કે તેમની પાસે જે રૂપિયા હતા તેમાંથી ૨૦૦૦ની નોટનું બંડલ તેઓની પાસે નથી ત્યારે બેંકના સ્ટાફે તેમને જણાવવામાં આવ્યું હતુ કે અહીથી તેમને પુરા રૂપિયા જ આપવામાં આવ્યા છે. માટે નાથાભાઇ એ ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેની સાથે રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલી અજાણી ત્રણ મહિલાઓ દ્વારા તેની મરણ મુડી એટલે કે રોકડા બે લાખની ચોરી કરવામાં આવી છે તેવી ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બનાવની નોંધ લઈ શહેરના માર્ગો ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.