સીરામીક સહિતના ઉધોગે કરેલી રજુઆત બાદ સરકારે સુધારા કર્યા : વેરા સમાધાન યોજના હેઠળ અરજી કરવાની મુદત તારીખ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી લંબાવાઈ મોરબી : રાજ્ય સરકાર દ્વારા વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવેલ હતી. પરંતુ આ સમાધાન યોજનામાં અમુક ફેરફાર કરવાની મોરબીના સીરામીક સહિતના વેપારી અને ઉદ્યોગકારોએ માંગણી કરી હતી. જેથી આ યોજનાનો વધુ અસરકારક બની શકે. જેમાં આ યોજના અન્વયે વિવિધ વ્યાપારી મંડળ તરફથી યોજનાની મુદત લંબાવવા, અગાઉ ભરાયેલાં આંશિક રકમને પૂરેપૂરી મજરે આપવા, હપ્તાની રકમ ભરવામાં ચૂક થયે વ્યાજ સાથે ભરવાની સવલત આપવા અને સી – ફોર્મ અંગે ચાલતી અપીલોમાં બાકી સી-ફોર્મ ભરવા માટે લાભ આપવા એવી વિવિધ રજૂઆતો કરાઈ હતી. જે અંગે વેરા વસુલાત વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે કે રાજયના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વ્યાપારી વર્ગની રજૂઆતો પર વિચારણા કરી, નાયબ મુખ્યમંત્રી દ્વારા વેરા સમાધાન યોજનામાં સુધારા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત વેરા સમાધાન યોજના હેઠળ અરજી કરવાની મુદત તારીખ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે, બાકી માંગણી સામે અગાઉ ભરવામાં આવેલ રકમ પૂરેપૂરી મજરે આપવામાં આવશે, કેન્દ્રીય કાયદા હેઠળની પડતર અપીલોના કિસ્સામાં ખરાઇ ન થતાં સી-ફોર્મ અન્વયે ભરવાના થતા વેરામાં ૫૦ % રાહત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને અગાઉની યોજનામાં ફક્ત દંડનીય આદેશ કરેલ હોય તેવા (બોગસ બીલીંગ સિવાયના) કિસ્સામાં કોઈ લાભ આપવામાં આવેલ નહીં જ્યારે સુધારેલી યોજનામાં મૂળ માંગણાની ૨૦ % રકમ ભરેથી બાકી રહેતી રકમ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એમ મુખ્ય વેચાણવેરા કમિશનરની અખબારી યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી સિરામિક એસોસીએશન દ્વારા સિરામિક ઉધોગના હિતમાં વેરા સમાધાન યોજનામાં સુધાર કરવા માટે સરકારમાં રજુઆત કરવામાં આવી હતી.