રવિવારે યોજાનાર જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ફરજ પણ નહીં બજાવે મોરબી : મોરબી જિલ્લા મહેસુલી કર્મચારી (વર્ગ 3) મંડળ દ્વારા તેઓની પડતર માંગણી પ્રશ્ને સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો પૈકી એક પણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવતા તેમજ 26 નવેમ્બરના રોજ મહેસુલ મંત્રીની મુલાકાત દરમ્યાન હોદ્દેદારોની રજુઆત ન સાંભળી ઉદ્ધત વર્તન કરવામાં આવતા મોરબી જિલ્લા મહેસુલ કર્મચારી વર્ગ 3માં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મુદ્દે મંડળે આગામી તારીખ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. તારીખ 8 ડિસેમ્બરના રોજ લેવાનાર GPSCની પરીક્ષામાં પણ મંડળના કર્મચારીઓ ફરજ નહીં બજાવે તેવું નક્કી કરાયું છે. ગુજરાત રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જવાના હોય મોરબી જિલ્લાના તમામ કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાવા જઇ રહ્યા છે. આ અંગેની જાણ મંડળે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ ગાંધીનગર, પ્રાંત અધિકારી મોરબી, વાંકાનેર, હળવદ, મોરબી જિલ્લાના તમામ મામલતદારને સાહિતનાઓને આ બાબતની લેખિત જાણકારી આપી દેવામાં આવી છે. ત્યારે હવે સરકાર તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે અંગે સહુની મીટ મંડાઈ છે.