મોરબી : ગત તા. 4 ડિસેમ્બરના રોજ મોરબી તાલુકાના જોધપુર (નદી) જી.આઈ.ડી.સી.માં આવેલ શિવમ એસ્ટેટ-2માં ધવલ પ્રિન્ટ પેક કારખાનાની પાસે આશરે પચીસ વર્ષીય અજાણ્યા પુરુષને ચોર સમજી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ગેરકાયદેસર રીતે રોકીને ઝાડવા સાથે બાંધી દઈ તેના શરીરે ઉપર લાકડી તથા બેટથી આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ બનાવમાં પોલીસે માર મારી મોત નિપજાવનાર સાત શખ્સોની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે. તેમજ મૃતકની ઓળખ માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા જે કોઈને મૃતકની ઓળખ થાય કે મૃતક અંગે કોઈપણ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નં. 02822-242592 અથવા 99786 01619 પર સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.