મોરબી : હાલ ચાલુ સંસદ સત્રમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાએ મોરબી જીલ્લાના પડતર પ્રશ્નો અંગે લોકસભામાં રજુઆત કરી હતી. સંસદના ચાલી રહેલા સત્ર દરમ્યાન સાંસદ મોહનભાઇ કુંડારિયાએ લોકસભામાં મોરબી જીલ્લાના નવલખી પોર્ટ માટે આયોજિત થયેલા વિકાસ કામોને પ્રાધાન્ય આપી એ પડતર કામો સત્વરે પુરા કરવાની રજુઆત કરી હતી. આ દરમ્યાન બોલતા મોહનભાઈએ લોકસભામાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ટાઇલ્સ, ઘડિયાર તેમજ ઓટો ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વધ્યો છે. આ ઉદ્યોગ દ્વારા 25 હજાર કરોડ રૂપિયાનો વેપાર દેશ-વિદેશમાં થઈ રહ્યો છે. વિદેશ મોકલવાના થતા કન્ટેનર માટે હાલ કંડલા સુધી ટ્રાન્સપોર્ટેશન કરવું પડતું હોવાથી વધુ ખર્ચો થઈ રહ્યો છે. ત્યારે મોરબીથી માત્ર 45 કિલોમીટર દૂર આવેલા નવલખી પોર્ટના મંજુર થયેલા વિકાસના કાર્ય માટે ઝડપી આયોજન થાય તો મોરબી જિલ્લાનો સર્વાંગી વિકાસ ઝડપી બને જે આખરે તો દેશ માટે વિદેશી હૂંડિયામણ લાવી આપવામાં સહાયક બનશે. આથી નવલખી પોર્ટના ઝડપી વિકાસ કાર્ય માટે કેન્દ્ર સરકાર સહયોગપૂર્ણ વાતાવરણ નિર્મિત કરે.