મોરબી : ગઈકાલે તા. 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે સર્વશિક્ષા અભિયાન આઈ.ઈ.ડી. અંતર્ગત મોરબી તાલુકાની જવાહર પ્રાથમિક શાળામાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત ઓનલાઇન કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રીએ દિવ્યાંગ બાળકોને સંબોધીને વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને દિવ્યાંગ દિવસની માહિતી આપવામાં આવી હતી. તેમજ વાલીઓને દિવ્યાંગ બાળકોને અપાતા શિક્ષણ, યોજનાઓ તથા લાભો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમાં નોર્મલ બાળકો અને દિવ્યાંગ બાળકો વચ્ચે પ્રેમભાવ વધે અને ભેદભાવ દૂર થાય, તે માટે એકબીજા પાસે ફ્રેન્ડશીપ બેલ્ટ બંધાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દિવ્યાંગો પ્રત્યે સમાનતા સ્થપાય તે માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ વિદ્યાર્થીઓ માટે ચિત્રકામ, રંગપૂરણી, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. જેમાં ભાગ લેનાર દરેકને તથા વિજેતા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર નવીનભાઈ પુરોહિત, બી.આર.સી. કો-ઓર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજા, સી.આર.સી. રાકેશભાઈ કાંજીયાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. તેમજ શાળાના આચાર્ય પંકજભાઈ ખાવડીયા અને શિક્ષકો અમિતભાઇ શુક્લ, શીલાબેન ભટાસણા તથા સામંતભાઈએ જહેમત ઉઠાવી હતી.