ગટર ખોદી નાખતા ગંદકીની સમસ્યા વકરી : રઝળતા ઢોરને કારણે વાહન ચાલકો પર અકસ્માતનું પણ જોખમ વધ્યુ મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ગટરને તોડી નાખ્યા બાદ જેમની તેમ જ હાલતમાં રાખી દેવાતા ગટરમાં કચરો ફસવાની સાથે ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે અને બેસુમાર ગંદકી વકરી રહી છે. જો કે વાવડી રોડ પર ભૂગર્ભની ખુલ્લી કુંડીઓ જોખમી બને તેવી દહેશત છે અને વાહનચાલકો આ ખુલ્લી કુંડીઓમાં ગમે ત્યારે પડે તેવી નાજુક સ્થિતિ છે. આ ઉપરાંત, અહીં રઝળતા ઢોરનો ત્રાસ વધતા વાહનચાલકો પર અકસ્માતનું જોખમ વધ્યું છે. તેથી, પાલિકા તંત્ર ગંભીર પ્રશ્ન હલ.કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબીના વાવડી રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટર ખોદીને રાખી દેવામાં આવી છે. જેથી, ગંદકીની સમસ્યાએ માજા મૂકી છે. ગટર ખોદીને રાખી દેતા ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. આ ગટરમાં કચરો ભરાઈ ગયો છે.અને આજુબાજુમાં ગટરના ગંદા પાણી ભારે રેલમછેલ થઈને વહે છે. જેથી, મચ્છરોનો ત્રાસ વધ્યો છે. ગટરના ગંદા પાણી અને કચરો ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગટરનો કચરો ખાવા માટે રઝળતા ઢોરનો ત્રાસ વધ્યો છે. જેથી, વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ રહે છે. વાવડી જવાના મેઈન રોડ ઉપર ભૂગર્ભ ગટરનું ઢાંકણું ન હોવાથી અને આવી બે ભૂગર્ભ ગટરની કુડીમાં ઢાંકણું ન હોવાથી ખુલી કુડીઓમાં વાહન ચાલકો ખાબકે તેવી દહેશત સેવાઇ રહી છે. જો કે રાત્રે અહીં સ્ટ્રીટ લાઈટ ન હોવાથી અકસ્માતનું જોખમ વધી ગયું છે. જાણે તંત્ર અહીં અકસ્માત થવાની રાહ જોઇને બેઠું હોય તેમ કુડીઓમાં ઢાંકણ ઢાકવાની કોઈ તસ્દી લેવાઈ નથી. આ જગ્યાએ વાહન ચાલકોની સૌથી વધુ અવરજવર રહે છે. ત્યારે અહીં અકસ્માત થયા બાદ જ તંત્ર જાગશે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.