પ્રજા વત્સલ રાજવી સર વાઘજી ઠાકોર બાપુએ અલ્પ ટેકલોજીના યુગમાં પણ આધુનિક મોરબીના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું પણ એમણે નાખેલો પાયો જો લોકશાહીમાં મજબૂત બન્યો હોય તો આજે મોરબી મેટ્રોસિટીથી કમ ન હોત મોરબી : મોરબીના રાજવી સર વાઘજી ઠાકોર બાપુમાં એક પ્રજા વત્સલ રાજવીના ઉમદા ગુણ અને દીર્ઘદ્રષ્ટિ હોવાના કારણે આજે પણ મોરબીવાસીઓ એમને સાચા દિલથી યાદ કરે છે. વાઘજી ઠાકોરે મોરબીની પ્રજાના હિતમાં રેલવે, એરોડ્રામ, સહિતની અનેક પ્રજાલક્ષી સુવિધાઓ આપી હતી. જેમાં મહત્વની બાબત એ છે એમના સમય દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉદય થયો ન હતો, આમ છતાં દીર્ઘદષ્ટા વાઘજી ઠાકોરે તે સમયે મોરબીને આધુનિક બનાવીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જયારે રાજાશાહીના અંત પછી લોકશાહીનો ઉદય થયો પણ ત્યારબાદના શાસકો નવી સુવિધાઓ આપવાની વાત બાજુએ રહી પણ આ પ્રજા વત્સલ રાજવીએ આપેલી સુવિધાઓનું જતન ન કરી શકતા અનેક સુવિધાઓને અભાવે મોરબીની જનતા પીડાઈ રહી છે. રવાજી ઠાકોર પછી તેમના પાટવી કુંવર વાઘજી ઠાકોર માત્ર 13 વર્ષની વયે વર્ષ 1870માં મોરબીની રાજગાદીએ બિરાજ્યા હતા. વાઘજી ઠાકોર બાપુ નાનપણથી બહાદુર હતા અને તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. કોલેજ દરમિયાન તેમણે અનેક સાહસિક પ્રવૃતિઓમાં ભાગ લઈને શાનદાર દેખાવ કર્યો હતો. તેમનામાં વારસાગત મોરબીના હિત માટે એક સારા પ્રજા વત્સલ રાજવીના ગુણો ઉતર્યા હતા અને મોરબીની પ્રજાના હિતમાં અનેક પ્રજાલક્ષી કામો કર્યા હતા. રેલવે, એરપોર્ટ અને શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. તેઓએ ખાસ કરીને તેમને બ્રિટનની મુલાકત લઈને ત્યાંના જેવી સુવિધાઓ મોરબીમાં ઉપલબ્ધ કરવા માટે ભારે કમર કસી હતી. મોરબીની વચ્ચોવચ પાડાપુલ અને ઝૂલતા પૂલ બંધાવ્યો હતો અને મણિ મંદિર જેવી અમરકૃતિ મોરબીવાસીઓને ભેટમાં આપી છે. સોરાષ્ટ્માં સૌપ્રથમ મોરબી રેલવે સેવા ઉપલબ્ધ કરવામાં પણ તેમનો સિંહફાળો છે. વાઘજી ઠાકોર બાપુએ વર્ષ 1870થી 1920ના તેમના કાર્યકાળ દરમિયાન મોરબીમાં અનેક પ્રકારની સુવિધાઓ આપીને મોરબીને સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઉપમા અપાવી હતી. એક માન્યતા અનુસાર વાઘજી ઠાકર બાપુને લોકો ભગવાનની જેમ પૂજતા હતા અને આજે પણ તેમની પ્રતિમા અખંડિત સ્થાયી થયેલી છે. ત્યાં લોકો શ્રીફળ વધેરી માનતા પુરી કરે છે. સૌથી વધુ મહત્વની બાબત એ છે કે વાઘજી ઠાકોરના કાર્યકાળ દરમિયાન અંગ્રેજી હુકુમતનું શાસન હતું. તે વખતે વિદેશોમાં હજુ ટેકનોલોજી પા પા પગલી કરી રહી હતી અને ભારતમાં તો ટેકનોલોજીનું નામો નિશાન જ ન હતું. આવા સમયે વાઘજી ઠાકોર બાપુએ મોરબીને આધુનિક બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે એમણે નાખેલો આ પાયો જો લોકશાહીમાં મજબૂત બન્યો હોત તો આજે મોરબી એક મેટ્રોસિટીથી કમ ન હોત!